મોરબીના ભડીયાદ કાંટા પાસે રીક્ષા સ્ટેન્ડ પર રીક્ષા ચાલક પર પથ્થરમારો, ઝપાઝપી અને જાતિપ્રત્યે અપમાન કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ફરિયાદીને ઈજાઓ થતા તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ તથા એક્ટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકાના ભડીયાદ કાંટા નજીક રીક્ષા સ્ટેન્ડ પર રીક્ષા ચાલક મુળજીભાઈ વઘોરા રહે.ભડિયાદ ગામ ઉપર આરોપી પ્રભુ ઉર્ફે ઉદય કોળી રહે.મોરબી વાળાએ ફરિયાદીને સ્થળ ઉપરથી રીક્ષા હટાવી લેવાનું કહી જાતિપ્રત્યે અપમાન, ગાળાગાળી અને ધમકીઓ સાથે હુમલો કર્યો હતો. આરોપીએ પથ્થર ફેંકી ફરીયાદીની રીક્ષાના કાચ તોડી તથા બીજો પથ્થર મારી ફરિયાદીના જમણા હાથના કાંડામાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડી હતી. બાદમાં થયેલી ઝપાઝપીમાં ફરિયાદી જમીન પર પટકાતા તેમને હાથ અને પગમાં વધુ ઈજાઓ થઈ હતી. ઘટનાસ્થળે ફરિયાદીના સસરા દામજીભાઈ પહોંચતા આરોપી ગાળો આપી સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત ફરિયાદીને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, હાલ પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ બીએનએસ તેમજ એક્ટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.









