Sunday, November 23, 2025
HomeGujaratકચ્છ-સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ઝળહળશે ગુજરાતનું સિરામિક હબ મોરબી

કચ્છ-સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ઝળહળશે ગુજરાતનું સિરામિક હબ મોરબી

વિશ્વના બીજા સૌથી મોટા સિરામિક હબ મોરબીનું લક્ષ્ય હવે વૈશ્વિક બજારમાં અગ્રેસર બનવાનું, VGRCથી રોકાણ અને નિકાસની સંભાવનાઓ વધશે

- Advertisement -
- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની પહેલથી ઉદ્યોગ ક્ષેત્રનું ચિત્ર બદલાયું.

ગાંધીનગર 22 નવેમ્બર 2025: ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રનું મોરબી આજે સિરામિક ઉદ્યોગના વૈશ્વિક પાવરહાઉસ તરીકે ઉભરી રહ્યું છે. મોરબી વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક ઉત્પાદન હબ છે, જ્યાં ૮૦૦થી વધુ સિરામિક યુનિટ વૈશ્વિક બજારોમાં નિકાસ કરે છે. ક્ષેત્રના વિકાસમાં મોરબીના સિરામિક ઉદ્યોગનો ફાળો નોંધનીય છે અને આ રીતે તે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @૨૦૪૭ના વિઝનમાં પણ યોગદાન આપી રહ્યું છે તેમજ વધતી વૈશ્વિક માંગને પણ પૂર્ણ કરી રહ્યું છે.

ભારત-યુકે મુક્ત વ્યાપાર કરાર અને નિકાસ:

ભારત સિરામિક ઉત્પાદનોનો છઠ્ઠો સૌથી મોટો નિકાસકાર દેશ છે, જેમાં મોરબીનો ફાળો મુખ્ય છે. ૨૪ જુલાઈ ૨૦૨૫ના રોજ ભારત-યુકે વ્યાપક આર્થિક અને વ્યાપાર કરાર (CETA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે ગુજરાતના ઉદ્યોગો, ખાસ કરીને મોરબી સિરામિક ક્લસ્ટર માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે. આ કરાર મુખ્ય ભારતીય નિકાસ માટે શૂન્ય-ડ્યુટી અને ટેરિફ-મુક્ત ઍક્સેસ સુનિશ્ચિત કરે છે.

છેલ્લા ૩-૪ વર્ષમાં ભારતમાંથી યુકેમાં સિરામિક નિકાસ ત્રણ ગણી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૧૦ મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે, જેમાં મોરબીનો ૬૫% ફાળો (૭૧.૬ મિલિયન ડોલર) છે. ઉલ્લેખનીય છે કે, યુકેમાં પોર્સેલિન સ્લેબ, ટાઇલ્સ અને ક્વાર્ટઝ ઉત્પાદનો જેવી પ્રીમિયમ બાંધકામ સામગ્રીની માંગ વધી રહી છે, જેને ભારત પૂરી કરી રહ્યું છે.

વધી રહેલાં શહેરીકરણ, સરકારની હાઉસિંગ યોજનાઓ અને સ્વચ્છ ભારત મિશન જેવા પરિબળોના કારણે સિરામિક ક્ષેત્રમાં વિશાળ સંભાવનાઓ રહેલી છે. મોરબીમાં વૉલ-ટાઇલ્સ, ફ્લોર-ટાઇલ્સ અને બાથરૂમ એક્સેસરીઝ સહિત સિરામિક અને સૅનિટરીવેરનું ઉત્પાદન થાય છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે મોરબીને સિરામિક ટાઇલ્સ અને સૅનિટરીવેર માટે “ટાઉન ઑફ એક્સપોર્ટ એક્સેલન્સ (TEE)”નો દરજ્જો આપ્યો છે.

મોરબી સિરામિક ક્લસ્ટર મૅન્યુફેક્ચરિંગ યુનિટ (ઉત્પાદન એકમો)માં આશરે ૩.૫ લાખ વ્યક્તિઓને સીધી રોજગારી આપે છે અને લગભગ ૧૦ લાખ લોકોને પરોક્ષ રોજગાર પૂરો પાડે છે. આ ઉદ્યોગે લોજિસ્ટિક્સ, પેકેજિંગ, કાચા માલનો પુરવઠો વગેરે જેવા સહાયક ઉદ્યોગોમાં પરોક્ષ અને પ્રત્યક્ષ રોજગારની તકો ઊભી કરી છે. તેનાથી સ્થાનિક લોકો અને અન્ય રાજ્યોના કામદારો માટે પણ રોજગારીનું સર્જન થયું છે.

VGRCથી મોરબીમાં રોકાણ અને નિકાસની સંભાવનાઓ વધશે:

મોરબી સિરામિક ક્લસ્ટર એક પ્રાદેશિક ઉદ્યોગમાંથી મુખ્ય વૈશ્વિક નિકાસકાર બન્યું છે. આ પ્રગતિ થવાના કારણે ગુજરાત આજે એક પસંદગીનું રોકાણ સ્થળ બની ગયું છે અને “મેડ ઇન મોરબી” વૈશ્વિક બ્રાન્ડ બની ગઈ છે. ૨૦૦૩માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૌપ્રથમ વખત યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી આ ઉદ્યોગને ઘણો ફાયદો થયો છે. હવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના વિઝનને આગળ વધારતાં ગુજરાત સરકાર ૮-૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાજકોટ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર પ્રદેશની રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ વધુમાં વધુ રોકાણ આકર્ષવાનો અને સ્થાનિક ઉદ્યોગસાહસિકોની ક્ષમતા અને પ્રતિભાને ઉજાગર કરવાનો છે. આ કોન્ફરન્સના માધ્યમથી મોરબી વિશ્વ મંચ પર ઉજાગર થશે અને સિરામિક ક્લસ્ટર વધુ મજબૂત બનશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!