મોરબી તાલુકાના બે અલગ અલગ સ્થળે મોબાઇલ ટાવરનાં કેબલ કાપી અજાણ્યા શખ્સોએ લગભગ રૂ.૩૦,૦૦૦/-ના કોપર કેબલ ચોરી કર્યા અંગેની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા, પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકામાં મોબાઇલ ટાવરમાંથી કોપર કેબલ ચોરીના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ઇન્ડેઝ ટાવર્સ પ્રા. લિ.માં આર.એસ. સિક્યોરિટી હેઠળ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા ઉવ.૩૨ રહે.ગાયત્રીનગર, મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગત તા. ૨૨મી નવેમ્બરની રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન તેમને ચોરીના બે બનાવોની જાણ થઈ હતી. જેમાં રાત્રે આશરે ૧ વાગ્યે કન્ટ્રોલ રૂમમાંથી ફોન મળતાં તેઓ માળીયા-કચ્છ હાઇવે નજીક ઓનેસ્ટ હોટેલ પાસે આવેલા ઇન્ડેઝ ટાવર ID–1265241 પર પહોંચ્યા હતા, જ્યાં કેબલ કપાયેલો અને વેરવિખેર પડેલો હતો. ટેકનિશિયનની મદદથી રીપેરની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમ્યાન બીજી સાઈટ લક્ષ્મીનગર ગામ નજીક રામદેવ હોટેલ પાસે આવેલા બીજો ટાવર ID–1290851 પર પહોંચ્યા હતા, જ્યાં પણ કેબલ કાપી ચોરી કરાયો હોવાનો સામે આવ્યું હતું. આમ કુલ આશરે રૂ.૩૦ હજારના કોપર કેબલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









