મોરબી સામાકાંઠા વિસ્તારની જવાહર સોસાયટીમાં નજીવી બાબતે યુવકને બેફામ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં યુવક પાનની દુકાનેથી ઘરે જતો હોય ત્યારે ફૂલ સ્પીડમાં ચલાવી આવી કારના ચાલકે યુવકના પગ પાસે અચાનક બ્રેક મારતા, જે બાબતે ડરી ગયેલ યુવકે વાત કરતા, ઉશ્કેરાયેલ કાર ચાલક, તેના પિતા અને કુટુંબી ભાઈઓ દ્વારા યુવકને છરી, ધોકા અને મૂંઢ માર મારી, યુવકને ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડેલ. હાલ સમગ્ર બનાવ અંગે પીડિત યુવકે ચારેય આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ખાખરાળા ગામના વતની હાલ ભડિયાદ જવાહર સોસાયટી શેરી નં.૬ માં રહેતા મહેશભાઈ દેવજીભાઈ વણોલ ઉવ.૨૩ એ આરોપી ધ્રુવભાઈ દામજીભાઈ મકવાણા, દામજીભાઈ મકવાણા, અજય તથા મહેશ એમ ચાર વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સમક્ષ હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ નોંધાવી કે, ગત તા.૨૧/૧૧ના રોજ ફરિયાદી મહેશભાઈ સોસાયટીમાં આવેલ પાનની દુકાનેથી માવો લઈને ઘરે પરત આવતા હોય તે દરમિયાન આરોપી ધ્રુવભાઈ પોતાની વરના કાર ફૂલ સ્પીડમાં ચકાવી આવી, ફરિયાદી મહેશભાઇ પગ પાસે જોરદાર બ્રેક લગાવી હતી, જેથી ડરી ગયેલ મહેશભાઈએ આ રીતે કાર ન ચલાવવાનું સમજાવતા, તુરંત ઉશ્કેરાયેલ કાર ચાલક ધ્રુવભાઈએ ફરિયાદી મહેશભાઈબે ગાળો આપી ઝઘડો સગરુ જાર્યો હતો, આ દરમિયાન આરોપી દામજીભાઈ મકવાણા તથા તેમના બે ભત્રીજા આરોપી અજય અને મહેશ ત્યાં આવી જતા, ચારેય આરોપીઓએ ભેગા મળી છરી, લોખંડ પાઇપ, ધોકા તથા મૂંઢ માર મારી ફરિયાદી મહેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ ઉપરથી ચાલ્યા ગયા હતા. હાલ બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે બીએનએસની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.









