ટંકારા તાલુકાના જબલપુર ગામે મોડી રાત્રે લગભગ ૩ વાગ્યાના સુમારે પ્લોટ વિસ્તારમાં મગફળીના ભૂકામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં ૭૦ વિધાના મગફળીના ભૂકો ભસ્મીભૂત થઈ ગયો હતો અને લાખો રૂપિયાની રાખ કરી નાખી હતી.
જબલપુર ગામે રહેતા માલધારી ધંધો કરતા રાજુભાઈએ પોતાનો ચારો જે જગ્યાએ રાખ્યો હતો ત્યાં મગફળીના ભૂકા સંગ્રહ કરાયા હતા. તે જ જગ્યાની બાજુમાં નાનું મંદિર હોવાથી ત્યાં દિવાની જ્યોત પ્રગટાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે દિવાની જ્યોતથી આગ લાગી હોવાનું અનુમાન છે.આગની જાણ ગામના સરપંચ પ્રવીણભાઈ પરમારને થતાં તેમણે તુરત જ ટંકારા પોલીસ સ્ટેશન તેમજ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી હતી. જાેકે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને મોટાભાગનો માલ બળીને રાખ થઈ ગયો હતો









