મોરબી શહેરના અતિ સંવેદનશીલ વિસ્તાર કાલિકા પ્લોટમાં આવેલ રહેણાંકમાં દેશી દારૂનો કાળો કારોબાર ચાલતો હોવાની પ્રખર બાતમીને આધારે શહેર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, ત્યારે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી ૭૦ લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે દેશી દારૂ આપનાર નવાગામના બુટલેગરનું નામ સામે આવ્યું હતું. ત્યારે પોલીસે તેને ફરાર જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે, કાલિકા પ્લોટ શેરી નં. ૪ માં હિતેશભાઈ પોતાના રહેણાંકમાં દેશી પીવાનો દારૂ રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની બાતમીને આધારે પોલીસે તુરંત દરોડો કર્યો હતો. દરોડા દરમિયાન મકાનમાં પાંચ જેટલા શખ્સો દેશી દારૂનો જથ્થો સગેવગે કરતા જોવા મળ્યા હતા. જેથી પોલીસે આરોપી હિતેશભાઈ ઉમિયાશંકરભાઈ દવે ઉવ.૫૭, પ્રકાશભાઈ ઉર્ફે પકો રસિકભાઈ કવાભાઈ હમીરપરા ઉવ.૨૪, અમિતભાઇ કિશોરભાઈ ધોળકિયા ઉવ.૨૦ ત્રણેય રહે. કલીજ પ્લોટ શેરી નં.૪ તાંતગ સુનિલભાઈ ઉર્ફે સુનો ભરારતભાઈ અગેચણીયા ઉવ.૨૭ રહે. વીસીપરા કુલીનગર-૧ મોરબી, અનિલભાઈ ઉર્ફે અનિયો પ્રેમજીભાઈ ચૌહાણ ઉવ.૨૪ રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાને અલગ અલગ કેન તથા કોથળીમાં રહેલ ૭૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧૪,૦૦૦/- સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પકડાયેલ પાંચેય આરોપીની આગવી ઢબે પૂછતાછમાં આ દેશી દારૂ બાબાભાઈ રહીમભાઈ જેડા રહે. નવાગામ તા.મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા, પોલીસે સપ્લાયર આરોપીને આ કેસના વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









