માળીયા(મી) ના રોહિશાળા ગામના પાટીયા નજીક અમદાવાદ સ્ટેટ હાઇવે ઉપર અકસ્માતની ઘટનાના આઇસર ટ્રક ચાલકે પોતાનો ટ્રક ગફલતભરી રીતે ચલાવી આગળ જતાં ડમ્પરના પાછળના ભાગે અથડાવતા, આઇસર ટ્રક ચાલકનું ગંભીર ઇજા પહોચતા મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રકમાં ક્લીનર સાઈડ બેઠેલ આઇસર ટ્રકના માલીકને ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્ત દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, કચ્છ જીલ્લાના સાપેડા ગામે રહેતા જયંતીભાઈ બેચરાભાઈ વરાયા ઉવ.૪૨ને આઇસર ટ્રક રજી.નં. જીજે-૩૯-ટીએ-૭૪૮૫ પોતાની માલિકીનો હોય, ત્યારે તા.૨૧/૧૧ના રોજ આ ટ્રકમાં અમદાવાદથી માલ ભરી ગાંધીધામ જતા હોય ત્યારે આઇસર ટ્રક ડ્રાઈવર વિપુલભાઈ નટુભાઈ પરમાર રહે. રૂદેલ તા.બોરસદ જી.આણંદ વાળા ચલાવતો હોય અને જયંતીભાઈ ક્લીનર સાઈડ બેઠા હોય તે દરમિયાન માળીયા(મી)ના રોહિશાળા ગામ નજીક અમદાવાદ સ્ટેટ હાઇવે ઉપર ડ્રાઇવર વિપુલભાઈ આગળ જતાં ડમ્પરનો ઓવરટેક કરવા જતાં હોય તે દરમિયાન ટ્રક ડમ્પરના પાછળના ભાગે ધડાકા ભેર અથડાતા, ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વિપુલભાઈનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે જયંતિભાઈને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્ત જયંતિભાઈએ અકસ્માત સર્જનાર આઇસર ચાલક મૃતક વિપુલભાઈ સામે માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે









