માળીયા(મી) નગરપાલિકામાં જન્મ-મરણ પુનઃગઠનની આશરે ૧૨૦૦ અરજીઓ લાંબા સમયથી પ્રલંબિત છે, જેને કારણે નાગરિકોને અનેક સરકારી અને વ્યક્તિગત કામોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ આદમી પાર્ટી માળીયા-મિયાણા શહેર પ્રમુખે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી ૧૫ દિવસમાં નિકાલ કરવા અલ્ટીમેટમ આપ્યો છે, નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
માળીયા(મી) નગરપાલિકા વિસ્તારમાં જન્મ અને મૃત્યુના પુનઃગઠન સંબંધિત આશરે ૧૨૦૦ જેટલી અરજીઓનો નિકાલ લાંબા સમયથી બાકી છે. આ અરજીઓના નિકાલમાં થતો વિલંબ સામાન્ય નાગરિકોને અનેક મહત્વપૂર્ણ કાર્યોમાં ગંભીર અડચણો ઉભી કરતો જોવા મળી રહ્યો છે. જન્મતારીખ સુધારણા, આધાર કાર્ડના અપડેટ, શાળાઓમાં એડમિશન, સરકારી યોજનાઓનો લાભ, વીમા અને પેન્શન જેવા જરૂરી કામો આ પ્રમાણપત્રો વિના અટવાઈ રહ્યાં છે. આ પરિસ્થિતિથી પરેશાન નાગરિકોના હિતને આગળ ધરી આમ આદમી પાર્ટી માળીયા-મિયાણા શહેર પ્રમુખે નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે લોકો વારંવાર નગરપાલિકાના ચક્કર મારી થાકી ગયા હોવા છતાં કાર્યમાં કોઈ ગતિ નથી. પક્ષ પ્રમુખે ચેતવણી આપી છે કે જો આગામી ૧૫ દિવસમાં બાકી રહેલી તમામ અરજીઓનો નિકાલ કરવામાં નહીં આવે તો તેઓ નાગરિક હિત માટે શાંતિપૂર્ણ અને કાયદેસર પ્રયાસો હાથ ધરવા મજબૂર બનશે. જેમાં ઉગ્ર આંદોલન, ધરણા અને જવાબદાર વિભાગોને લેખિત ફરિયાદોનો સમાવેશ થશે તેમ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે.









