મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)ના BLC ઘટક અંતર્ગત રજુ કરાયેલા ૪૩૦ આવાસોના DPR પૈકી ૩૦૭ આવાસોને સરકાર દ્વારા મંજુરી અપાઈ છે. તમામ આવાસોમાં નેશનલ બિલ્ડિંગ કોડ મુજબ બે રૂમ, રસોડું અને સેનિટેશન સુવિધાઓ સાથે ૩૦ થી ૪૫ ચો.મી. કાર્પેટ ક્ષેત્રફળનો સમાવેશ થશે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ લાભાર્થીઓ દ્વારા બાંધકામ શરૂ થશે અને ચાર તબક્કામાં કુલ રૂ. ૪ લાખની સહાય આપવામાં આવશે.
સરકાર દ્વારા શહેરોમાં ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગોને સસ્તા, સગવડભર્યા અને આધુનિક રહેણાંક ઉપલબ્ધ કરાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)નું અમલીકરણ ચાલુ છે. આ યોજના હેઠળ Beneficiary Led Construction (BLC) ઘટકના ફેઝ-૧ થી ૬ અંતર્ગત મોરબી મહાનગરપાલિકાએ કુલ ૪૩૦ નવા પાકા આવાસોના DPR (વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ) સરકાર સમક્ષ મંજૂરી માટે મોકલ્યા હતા. આવાસોના બાંધકામ અંગે નેશનલ બિલ્ડિંગ કોડ મુજબ હવામાનને અનુરૂપ ડિઝાઇન સાથે ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, તેમજ શૌચાલય-બાથરૂમ જેવી જરૂરી સગવડો ફરજિયાત છે. આ સુવિધાઓ ૩૦ ચો.મી.થી ૪૫ ચો.મી. કાર્પેટ એરિયા હેઠળ આવરી લેવામાં આવશે, જેથી શહેરી વિસ્તારોમાં રહેતા લાભાર્થી પરિવારોને સુરક્ષિત અને સુવિધાસભર આવાસ મળી રહે.
મોરબી મહાનગરપાલિકાની રજૂઆત પર સરકારે ૪૩૦ પૈકી ૩૦૭ આવાસોના DPRને મંજુરી આપી છે. હવે આ મંજુર થયેલા આવાસોના કામ માટેની વહીવટી કાર્યવાહી પૂર્ણ થતાં જ લાભાર્થી પરિવારોથી બાંધકામની શરૂઆત કરવામાં આવશે. યોજનાની માર્ગદર્શિકા અનુસાર દરેક આવાસ માટે સરકાર દ્વારા કુલ રૂ. ૪ લાખની સહાય ચાર તબક્કામાં ફાળવવામાં આવશે. આ રકમ લાભાર્થીઓને બાંધકામની પ્રગતિ અનુસાર આપવામાં આવશે, જેથી તેઓ મંજૂર નકશા અને ધોરણો મુજબ મકાન બાંધકામ પૂર્ણ કરી શકશે તેમ યાદીમાં જણાવ્યું છે.









