મોરબી: ભગવાન શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર, અયોધ્યામાં મંદિરના શિખર ઉપર ધર્મ ધ્વજા લહેરાતા મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા નગરદરવાજા ચોક ખાતે ફટાકડા, આતશબાજી અને પ્રસાદ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ગઈકાલ તા. ૨૫/૧૧/૨૦૨૫ના રોજ અયોધ્યા સ્થિત શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ખાતે ભગવાન શ્રી રામ મંદિરના શિખર ઉપર ધર્મ ધ્વજા લહેરાવવામાં આવી હતી. હિંદુ સમાજના ૫૦૦ વર્ષના સંઘર્ષને પૂર્ણ કરી રામમંદિર નિર્માણના આ ઐતિહાસિક અવસરને વિશ્વભરમાં હર્ષ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ધર્મ ધ્વજાના આ વિજયોત્સવને હિંદુ સમાજે ઐતિહાસિક દિવસ તરીકે નિમિત્ત બનાવી ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ગૌરવનું પ્રતિક ગણાવ્યું છે. આ ઐતિહાસિક ઘટના અનુસંધાને મોરબી વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની તેમજ માતૃશક્તિ દ્વારા આજરોજ ૨૬/૧૧/૨૦૨૫, બુધવારના રોજ સાંજે ૭ થી ૮ વાગ્યા સુધી નગરદરવાજા ચોક ખાતે આનંદોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ફટાકડાની આતશબાજી દ્વારા આનંદની ઉજવણી કરવામાં આવી અને પ્રસાદ સ્વરૂપે તમામના મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ હિંદુ સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.









