મોરબી બાર એસોસિએશન, ડીજીપી ઓફિસ અને ડીએલએસએના સંયુક્ત ઉપક્રમે મોરબી ન્યાયમંદિરમાં ૭૬મો બંધારણ દિવસ ઉજવાયો હતો. ન્યાયાધીશો, ધરાશાસ્ત્રીઓ અને અધિકારીઓની ઉપસ્થિતીમાં બંધારણના આમુખનું પઠન કરવામાં આવ્યું અને બંધારણના હકો, ફરજો અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબી સહિત સમગ્ર દેશમાં ૨૬ નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઊજવાતો આવ્યો છે. તે અનુસંધાને મોરબી ન્યાયમંદિરમાં આજે મોરબી જીલ્લા બાર એસોસિએશન, ડિપાર્ટમેન્ટ ઓફ પ્રોસિક્યુશન (DGP Office) તથા ડીએલએસએના સંયુક્ત ઉપક્રમે ૭૬મો બંધારણ દિવસ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ તકે મોરબી ડીજીપી વિજય જાનીએ માહિતી આપતા જણાવ્યું કે વર્ષ ૨૦૧૫થી ૨૬ નવેમ્બરના દિવસને રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારથી દર વર્ષે દેશભરમાં કાનૂની ક્ષેત્ર સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજી બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા મજબૂત બનાવવામાં આવે છે. મોરબીમાં પણ ડીઓપીના આદેશ અનુસાર ડીજીપી ઓફિસ, ડીએલએસએ અને બાર એસોસિએશનના સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મોરબી જીલ્લાના તમામ ન્યાયાધીશો, પ્રોસિક્યુશન વિભાગના અધિકારીઓ, તેમજ સિનિયર-જુનિયર ધરાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં સૌએ સમૂહમાં એકસાથે બંધારણના આમુખનું વાચન કરી બંધારણ પ્રત્યે ભાવ વ્યક્ત કર્યા પછી અલગ અલગ વક્તાઓએ બંધારણમાં આવરી લેવાયેલા મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, અને નાગરિક તરીકેની જવાબદારીઓ વિશે તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ બંધારણના મૂલ્યોને સમાજ સુધી પહોંચાડવાનો અને કાનૂની જાગૃતિ વધારવાનો હતો.









