મોરબીની ઋષભ પાર્ક સોસાયટીમાં ત્રણ વર્ષથી ચાલી રહેલી પીવાના પાણીની સમસ્યાને લઈને રહેવાસીઓ મહાનગરપાલિકા કચેરીએ રેલી કરીને પહોંચ્યા હતા. કમિશ્નર સાથે ચર્ચા બાદ પાણી સમસ્યાનું ઉકેલ લાવવા મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં તથા કાયમી સમાધાન માટેનો ડીપીઆર મંજૂર થયાની ખાતરી આપતાં સાત કલાક ચાલેલું આંદોલન શાંતિપૂર્વક સમેટાયું હતું.
મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઊભી થયેલી પાણીની કટોકટી, જેમાં છેવડાની સોસાયટીઓમાં ખાસ કરીને ઋષભ પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યા તીવ્ર બની છે. ત્રણ વર્ષથી આ સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા સોસાયટીના રહીશો વહેલી સવારથી બાળકો, મહિલાઓ અને વડીલો સહિત રેલી સ્વરૂપે પદયાત્રા કરીને મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. રહેવાસીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, “પાણી વગર અહીંથી હલવાના નથી,” અને પાણી, નાસ્તો, ગોદળા-ગાદલા સહિત ધરણા માટેની સંપૂર્ણ તૈયારી સાથે તેઓએ આંદોલનનો ઇરાદો સ્પષ્ટ કર્યો હતો.
મહાનગરપાલિકા કમિશ્નર સાથે રહેવાસીઓની પ્રાથમિક બેઠક નિષ્કર્ષહીન રહેતાં સ્થિતિ તંગ બની હતી. જોકે બાદમાં મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ પાણી સમસ્યા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે જણાવ્યું કે ઋષભ પાર્ક સોસાયટી સહિત છેવાડા વિસ્તારની તમામ સોસાયટીઓની પાણી સમસ્યાના કાયમી ઉકેલ માટે ડીપીઆર તૈયાર થઈ ચૂક્યું છે અને સરકારની મંજૂરી પણ મળી ગઈ છે. નવી DI લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ આ સમગ્ર વિસ્તારમાં નિયમિત અને પૂરતું પાણી પુરવઠો સુનિશ્ચિત થશે. તાત્કાલિક રાહત તરીકે સોસાયટીમાં વધારાના ચાર વાલ્વ મૂકવાની કામગીરી હાથ ધરાશે, જેથી પાણીના પ્રેસરમાં સુધારો થાય અને સમસ્યામાં ઘટાડો આવે. મહાનગરપાલિકાની ખાતરી બાદ સાત કલાકથી શિસ્તબદ્ધ રીતે ચાલતું રહેવાસીઓનું આંદોલન અંતે શાંતિપૂર્ણ રીતે સમેટાયું અને લોકો ઘરે પરત ફર્યા હતા.









