ઘણા સમય પહેલા મોરબી નગરપાલિકા દ્વારા બે લાખના ખર્ચ શૌચાલય બનાવ્યા બાદ તેની સાફ સફાઈ કે તકેદારી ન રાખતા શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબીના નહેરુ ગેઇટ પાસે મહિલા શૌચાલય આવેલું છે. જે ખંઢેર હાલતમાં હોવાથી આસપાસ કે બહારગામથી આવતી મહિલાઓને શૌચાલય માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વહેલી તકે મહિલા શૌચાલયમાં નિયમિત સાફ સફાઈ, પાણી અને લાઈટ સહિતની સુવિધા અને દેખરેખ માટે કર્મચારીની ફાળવણી કરવામાં આવે તેવી માંગ મોરબીના સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવી છે.
મોરબી મહાનગર પાલિકા બની ત્યારે અનેક લોકોને મોરબી વિકાસની ફરણફાળ ભરશે તેવી આશા દેખાઈ હતી. પરંતુ મોરબી મહાનગર પાલિકા સામાન્ય લોકોને પાયાની સુવિધા આપવામાં પણ વામણી સાબિત થઈ રહી છે. મોરબીના સામાજિક કાર્યકર્તા રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, ગિરીશ ભાઈ કોટેચા, રાણેવડિયા દેવેશ મેરુભાઈ સહિતનાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે મોરબીમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં શહેરની મુલાકાતે આવતા હોય છે. ત્યારે મોરબીના નહેરુ ગેઇટ પાસે લેડીસ શૌચાલય બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને મોરબી નગર પાલિકાને બે લાખના ખર્ચે શૌચાલય બનાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. તેમ છતાં હજુ સુધી અધિકારીઓ કે કર્મચારીઓ શૌચાલય બાબતે ધ્યાન નહિ દેતા સમાજિક કાર્યકર્તાઓએ ન છૂટકે સામાન્ય શૌચાલય જેવી બાબતમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને પત્ર લખી વહેલી તકે મહિલા શૌચાલય ચાલુ થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તેવી રજૂઆત કરવામાં આવી છે. તેમજ જાગૃત કાર્યકર્તાઓએ મ્યુનિસિપલ કમિશનરને એક વખત શૌચાલયની મુલાકાત લઇને સફાઈ સહિતના મુદ્દે ધ્યાન આપી મહિલા શૌચાલય શરૂ કરવા માંગ કરી છે. તેમજ શૌચાલયની સફાઈ, રીપેરીંગ અને વ્યવસ્થિત સંચાલન નહિ થતાં પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નિયમિત સફાઈ, લાઈટ અને પાણી સહિતની સુવિધાઓ અને જાળવણી માટે કર્મચારીઓ ફરજ પર મૂકવામાં આવે તેવી માંગ કરાઇ છે.









