મોરબીના જીકીયારી ગામે ખેતરમાં જવા માટે ગાડા માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી વર્ષ ૨૦૨૧ માં મામલતદારે મંજૂરી આપ્યાનો હુકમ કર્યો હોવા છતાં, પિતા-પુત્રએ ફરીયાદીને ગાડા માર્ગ ન આપવા બદલ નોંધાયેલ ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ બીએનએસ કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના જીકીયારી ગામમાં ખેતી સંબંધિત જમીનના માર્ગ મુદ્દે ચાલી રહેલા વિવાદે હવે કાનૂની વળાંક લીધો છે. જેમાં ફરીયાદી જયંતીભાઈ શંકરભાઈ બાવરવા ઉવ.૬૧ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ભુદરભાઈ ત્રિભોવનભાઈ બાવરવા અને ભાવેશભાઈ ભુદરભાઈ બાવરવા રહે. જીકીયારી ગામ તા.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી જયંતિભાઈને તેમની જમીન જીકીયારી ગામે સર્વે નં. ૧૦૨/૨ સુધી પહોંચવા માટેનો ગાડા માર્ગ આરોપીઓની જમીન સર્વે નં. ૧૦૨/૧ માંથી પસાર થાય છે. આ માર્ગ વર્ષોથી ખેતી સાધનો જેવી કે ટ્રેક્ટર, સાતી, સંચ, ગાડા વગેરેની અવરજવર માટે વપરાતો રહ્યો છે. પરંતુ આરોપી ભુદરભાઈ ત્રિભોવનભાઈ બાવરવા અને તેના પુત્ર ભાવેશભાઈ ભુદરભાઈ બાવરવા છેલ્લા કેટલાક સમયથી ફરીયાદીને આ માર્ગનો ઉપયોગ કરવા દેતા ન હતા. આ મામલે ફરીયાદીએ અગાઉ વર્ષ ૨૦૨૧માં આ મામલે મોરબી તાલુકાના મામલતદાર સમક્ષ દાવો દાખલ કર્યો હતો. મામલતદાર દ્વારા તા.૨૧/૦૬/૨૦૨૧ ના રોજ કાયમી હુકમ કરી માર્ગ અવરોધમુક્ત રાખવા અને કોઇપણ પ્રકારની અટકાયત ન કરવા સ્પષ્ટ આદેશ કર્યો હતો.
આદેશ હોવા છતાં, આરોપીઓ ફરીયાદીને આ ગાડા માર્ગ ઉપયોગ કરવા દેતા ન હોવાથી મામલતદારના હુકમનો ભંગ થયો હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત માર્ગમાં અવરોધ ઉભો કરી ખેતી કામમાં વિઘ્ન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. હાલ સમગ્ર બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે બન્ને આરોપીઓ સામે કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









