૦૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સાર્થક વિદ્યામંદિર ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને મોરબી જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત આયોજન હેઠળ ગીતા મહોત્સવ ઉજવાયો હતો. આ મહોત્સવમાં વિવિધ નૃત્ય-નાટિકા, સંસ્કૃત ગરબા તથા ગીતા પારાયણ સાથે સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધનની ભાવભીની અભિવ્યક્તિ જોવા મળી.
મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં ૦૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તેમજ મોરબી જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત તત્વાવધાન હેઠળ ગીતા મહોત્સવની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત ગીતાજીનું પૂજન તથા પઠનથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દશાવતાર નૃત્ય નાટિકા, મહાભારત આધારિત નૃત્ય નાટિકા અને સંસ્કૃત ગરબા જેવી સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી, સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધનની ભાવનાને પ્રગટાવી હતી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની યોજના ‘પંચકમ’ અંતર્ગત જેમ વિદ્યાર્થીઓએ પૂર્ણ ભગવદ્ગીતા તથા સો સુભાષિતો કંઠસ્થ કર્યાં હતાં, તેમને મંચ ઉપર આવકારવામાં આવ્યા હતા. તેમને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા, જે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ સર્જતો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડેપ્યુટી ડીડીઓ ભટ્ટ સાહેબ, જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી બ્રિજેશભાઈ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના નોડલ અધિકારી અલ્પેશભાઈ, સાર્થક વિદ્યામંદિરના ટ્રસ્ટી કમલેશભાઈ તથા અન્ય માનનીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે માધવભાઈ પંડ્યાએ ગીતાજીનું જીવનમાં મહત્વ સમજાવતું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત ભારતીના રાજકોટ વિભાગ સંયોજક મયુરભાઈ શુક્લ દ્વારા મોરબી જીલ્લામાં તથા સાર્થક વિદ્યામંદિર ખાતે થતી સંસ્કૃત પ્રવૃત્તિઓ સંબંધિત માહિતી રજૂ કરવામાં આવી હતી. આ સાથે, દર વર્ષની પરંપરા મુજબ સવારે તથા બપોરે બંને સત્રોમાં ગીતાના તમામ ૧૮ અધ્યાયોના પારાયણ પણ શ્રદ્ધાભાવે કરવામાં આવ્યા હતા.









