અત્યાર સુધી ૧૪,૦૯૮ લાભાર્થી અને ૬,૪૦૦ સફળ ઓપરેશન.
મોરબી: સમગ્ર ગુજરાતની અગ્રણી આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સંયુક્ત આયોજન હેઠળ દર મહીનાની ૪ તારીખે યોજાતો સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ આ વખતે ૪ ડિસેમ્બરે મોરબી જલારામ ધામ ખાતે યોજાશે. અત્યાર સુધીના ૫૦ કેમ્પોમાં કુલ ૧૪,૦૯૮ લોકો લાભાન્વિત થયાં છે જેમાંથી ૬,૪૦૦ નાં વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે.
મોરબીના અયોધ્યાપૂરી રોડ પર આવેલ શ્રી જલારામ ધામ ખાતે આગામી ૪ ડિસેમ્બર, ગુરુવારે સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા દરમિયાન વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ દોશી હાકેમચંદ કેશવલાલ (હ. લલીતભાઈ) પરિવારના વિશેષ સહયોગથી સંપન્ન થશે. મોરબીમાં સતત ૫૦ મહિનાથી નિયમિત રીતે યોજાતા આ કેમ્પોમાં અત્યાર સુધી અનેક પરિવારોના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. આ કેમ્પમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના નિષ્ણાત ડૉ. બળવંતભાઈ, ડૉ. સુદામા, હેમુભાઈ પરમાર અને નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના તમામ પ્રકારના દર્દીઓની નિ:શુલ્ક તપાસ કરવામાં આવશે. ઉપરાંત અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથેનું સંપૂર્ણ વિનામૂલ્યે ઓપરેશન પણ કરવામાં આવશે.
દર્દીઓને સારવાર માટે રાજકોટ લઈ જવા-લાવવાની સુવિધા સાથે રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ઓપરેશન બાદના ટીપાં, ચશ્માં વગેરે તમામ સુવિધાઓ સંસ્થાની તરફથી સંપૂર્ણ રીતે નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેમ્પનો લાભ લેવા માટે કોઈ પૂર્વ બુકિંગની જરૂર નથી, પરંતુ તપાસ માટે આધાર કાર્ડ લાવવું અનિવાર્ય રહેશે. વધુ માહિતી અથવા માર્ગદર્શન માટે સંસ્થાએ ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦૮૨૪૬૮), હરીશભાઈ રાજા (૯૮૭૯૨૧૮૪૧૫), નિર્મિતભાઈ કક્કડ (૯૯૯૮૮૮૦૫૮૮) અને અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬)નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.









