મોરબી: પી.એમ. સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ (પી.એમ. સ્વનીધી) યોજનાનો શહેરમાં વધુ પ્રચાર પ્રસાર માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાએ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં બેંકર્સ વર્કશોપનું આયોજન કર્યું હતું. યોજનાના લાભો, પેન્ડિંગ અરજીઓનો નિકાલ અને શહેરી ફેરિયાઓ સુધી લોન તથા સબસીડી સરળતાથી પહોંચે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરાયેલ પી.એમ. સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ (પી.એમ. સ્વનીધી) યોજનાને વધુ સશક્ત બનાવવા તાજેતરમાં બેંકર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ મોરબી મહાનગરપાલિકાના યુ.સી.ડી. વિભાગ દ્વારા આયોજન કર્યું હતું જેમાં ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા અધ્યક્ષસ્થાને રહ્યા હતા. આ યોજનામાં શહેરી વિસ્તારના સ્ટ્રીટ વેન્ડરોને બેંક મારફતે રૂ. ૧૫ હજારની વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવે છે. આ લોનની સમયસર અને સંપૂર્ણ ભરપાઈ થયા બાદ લાભાર્થીઓ રૂ. ૨૫ હજાર અને પછી રૂ.૫૦ હજાર સુધીની વધુ લોન મેળવવા પાત્ર બનતા હોય છે. યોજનાની વિશેષતા તરીકે લોન પર વાર્ષિક ૭% સબસીડી આપવાની જોગવાઈ છે, જ્યારે UPI પેમેન્ટ ટ્રાન્ઝેક્શન દ્વારા વાર્ષિક રૂ.૧,૬૦૦/- સુધીના કેશબેકની સુવિધા પણ પ્રદાન કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત, રૂ. ૨૫ હજારની લોનની સમયસર ભરપાઈ થતા બેંક દ્વારા લાભાર્થીને રૂ. ૩૦ હજારના ક્રેડિટ કાર્ડની સુવિધા પણ આપવામાં આવશે, જે તેમની વ્યાપારી જરૂરિયાતો માટે ઉપયોગી સાબિત થશે. મોરબી શહેરના વધુમાં વધુ શહેરી ફેરિયાઓ આ યોજનાનો લાભ લઇ શકે તે માટે વર્કશોપમાં બેંકો સાથે પેન્ડિંગ અરજીઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી. ડેપ્યુટી કમિશનરે બેંકોને ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી અને યોજનાની વ્યાપકતા વધારવા તંત્ર અને બેંકો વચ્ચે વધુ સહકાર જરૂરી હોવાનું જણાવ્યું હતું. સાથે જ શહેરી ફેરિયાઓને આ યોજનાના લાભો સરળતાથી પ્રાપ્ત થાય તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવશે. વધુ માહિતી અને સહાય માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાનો સંપર્ક કરવાની વિનંતી કરવામાં આવી છે.









