સીસીટીવી ફૂટેજ આધારે એક શખ્સની ઓળખ સામે આવી.
વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે આવેલ બુટ ભવાની માતાજીના મંદિરમાં ૫૦૦ગ્રામ ચાંદીના ૨ છત્તરની ચોરી થયા અંગે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ સીસીટીવી ફૂટેજ આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અરજી કરી હતી, જે બાદ સીસીટીવી ફૂટેજ ગ્રુપમાં વાયરલ થતા, બે પૈકી ચોરી કરતા એક શખ્સની ઓળખ મળતા, હાલ એક શખ્સ વિરુદ્ધ નામજોગ અને અન્ય અજાણ્યા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી બન્ને ચોર ઇસમોની અટક કરવા તપાસ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે રહેતા હેમંતભાઈ ધુડાભાઈ રંગપરા ઉવ.૩૫ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી વિપુલ ઉર્ફે પ્રવીણ મીઠાભાઈ જાદવ રહે. મોટી મોલડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળો અને અન્ય એક અજાણ્યા ઈસમ એમ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈ તા.૩૦/૧૧ ના રોજ ફરિયાદી હેમંતભાઈ પોતાના ગામમાં આવેલ બુટ ભવાની માતાજીના મંદિરે દિવા-બત્તી કરવા આવ્યા ત્યારે મંદિરમાં માતાજીની છબી ઉપર ચડાવેલ છત્તરમાંથી બે છત્તર જેનો વજન આશરે ૫૦૦ગ્રામ કિ.રૂ.૪૦ હજાર કોઈ કાપીને ચોરી કરી લઈ ગયું હોય, જેથી મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ જોતા, ગત તા.૨૯/૧૧ ના રોજ મોટર સાયકલ સવાર અજાણ્યા બે શખ્સો મંદિરે દર્શન કરી બે છત્તરની ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી તે વિડીઓ ફુટેજ ફરિયાદી હેમંતબગાઈ તેમના સમાજના ગ્રુપમાં નાખતા, મોલડી ગામના એક ભાઈએ હેમંતભાઈને ફોનથી જણાવેલ કે ચોરી કરતા બે ઇસમોમાંથી એક શખ્સ તેમના ગામનો વિપુલ ઉર્ફે પ્રવીણ હોવાનું અને બીજો અજાણ્યો શખ્સ હોવાની વિગતો આપી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે હેમંતભાઈની ફરિયાદને આધારે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









