હળવદ પીઆઇ આર.ટી. વ્યાસની રાહબરી હેઠળ લૂંટ તથા મોટર સાયકલ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો.
હળવદ ટાઉનમાં રાણેકપર રોડ પર યાર્ડના વેપારી સાથે રૂ.૬.૯૦ લાખની લૂંટનો બનાવ બન્યાના ગણતરીની કલાકોમાં હળવદ પોલીસે મોરબીના બે આરોપીઓને ઝડપી લીધા છે. આ સાથે પોલીસે આરોપી પાસેથી કુલ રોકડા રૂ.૫.૧૧ લાખ તેમજ લૂંટના રૂપિયાથી ખરીદેલી આઇ-૨૦ કાર સહિતનો મુદ્દામાલ પરત મેળવ્યો છે, આ ઉપરાંત ચોરાયેલી બાઈક પણ રિકવર કરી બે અલગ-અલગ ગુનાઓ ડીટેક્ટ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લૂંટનો બનાવ બન્યો હતો, ત્યારે તે જ સમયે મોરબી જીલ્લા પોલીસ સાથે હળવદ પોલીસનો સ્ટાફ હેરિટેજ મણિમંદિરની બાજુમાં સરકારી જમીન ઉપર થયેલ ધાર્મિક દબાણ દૂર કરવાના મહત્વના બંદોબસ્તમાં વ્યસ્ત હતો. ભારે બંદોબસ્તની જવાબદારીઓ વચ્ચે પણ લૂંટના આ ગંભીર ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી હળવદ પોલીસે સરાહનીય કામગીરી કરી છે.
હળવદ પીઆઇ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસે રાણેકપર રોડ પર માર્કેટ યાર્ડના વેપારી સાથે થયેલી લૂંટનો ગુનો ગણતરીના સમયમાં ઉકેલી લીધો છે. લૂંટ અંગેની ટુક વિગત મુજબ, તા.૨ ડિસેમ્બર ૨૦૨૫ની મોડીસાંજે વેપારી રજનીભાઈ મોટર સાયકલ ઉપર સવાર થઈ ઘર તરફ જતાં હતાં ત્યારે આનંદ બંગ્લોઝ પાસે બે અજાણ્યા ઈસમોએ તેમની આંખમાં મરચું છાંટી રૂ.૬,૯૦,૦૦૦/- ભરેલો થેલો છીનવી નાસી ગયા હતા. આ અંગે હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાતાં જ પોલીસે ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સના સહારે તપાસ તેજ કરી હતી.
પીઆઇ વ્યાસની સૂચના અને દેખરેખ હેઠળ સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમી આધારે બંને આરોપીઓ રાહુલ ઉર્ફે પીંગરો વિજયભાઈ હળવદીયા રહે. મોરબી વિસીપરા અમરેલી રોડ ફુલછાબ કોલોની પાસે તથા આરોપી કિશન મોતીભાઈ પરસાડીયા રહે.મોરબી દલવાડી સર્કલ મચ્છોનગર મૂળરહે. મોટી વાવડી વાળાને ગણતરીની કલાકોમાં જ લૂંટમાં ગયેલા રૂ. ૫,૧૧,૮૦૦/- રોકડ તથા લૂંટના પૈસાથી ખરીદેલી આઇ-૨૦ કાર રજી.નં. જીજે-૨૭-એએચ-૨૪૪૦ કબ્જે લીધી હતી. તે ઉપરાંત આરોપીઓએ ભાગવા માટે ચોરી કરેલ બાઈક રજી.નં. જીજે-૦૬-એઆર-૨૫૩૪ અંગે પણ કબૂલાત આપી, જેથી બીજો ગુનો પણ ડીટેક્ટ થયો છે. હાલ હળવદ પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









