મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ દાખલ કરાયેલા કેસમાં દિલ્હી સ્થિત ઇંદિરા ગેસ એન્ડ પેટ્રોલ લી. કંપનીને મોરબીની જીયા કોર્પોરેશનના પ્રોપ્રાયટરને રૂ. ૨૫ લાખ સાથે ૯% વ્યાજ અને રૂ. ૧૦ હજાર ખર્ચ સહિત કેસ દાખલ થયેથી ચૂકવવા ગ્રાહક અદાલતે આદેશ કર્યો છે.
મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા દાખલ કરાયેલા મહત્વપૂર્ણ કેસમાં ગ્રાહક અદાલતે પાર્થકુમાર દિનેશભાઈ ફુલતરીયાના હિતમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેસની ટુક વિગત મુજબ, દિલ્હી સ્થિત ઇંદીરા ગેસ એન્ડ પેટ્રોલ લી. કંપનીએ પાર્થકુમાર ફુલતરીયાને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ ગેસની વ્યવસ્થા અન્ય કંપનીઓ જે ભાવે ગેસ આપે છે તે ભાવે પૂરી પાડશે. આ આશ્વાસનના આધારે પાર્થભાઈએ કંપની પાસે વેરહાઉસીંગ સ્પેસ, પ્રોપેન ગેસ સ્ટોરેજ, સપ્લાય સિસ્ટમ, સિલિન્ડર અને પ્રેશર રેગ્યુલેટર તેમજ અન્ય સુવિધાઓ માટે રૂ. ૨૫,૦૦,૦૦૦/- રોકડ ડીપોઝિટ કરાવી હતી. શરૂઆતમાં ઇંદીરા ગેસ એન્ડ પેટ્રોલ લી. કંપનીએ ટેન્ડર મુજબ એક વખત માલ સપ્લાય કર્યો, પરંતુ પછી કોઈ કારણ દર્શાવ્યા વિના સપ્લાય પૂર્ણ રીતે બંધ કરી. વારંવાર રજૂઆત કરવા છતાં કંપનીએ માલ આપ્યો નહીં. પરિણામે પાર્થભાઈએ પોતાના ડીપોઝિટ રિફંડની માંગણી કરી, પરંતુ કંપનીએ તે પણ પરત આપી નહિ. આથી, પાર્થભાઈએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કર્યો અને તેમના માર્ગદર્શનથી ગ્રાહક અદાલતમાં ફરિયાદ નોંધાવી. કેસની સુનાવણી બાદ અદાલતે ગેસ કંપનીની સેવા આપવામાં ખામી સાબિત થઈ હોવાનું પુરવાર થતા, કંપનીને રૂ. ૨૫ લાખ ૯% વાર્ષિક વ્યાજ તથા રૂ. ૧૦ હજાર ખર્ચ પેટે તા.૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫થી ચુકવવા આદેશ કર્યો છે.
આ સાથે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નાગરિકોને અપીલ કરી છે કે, કોઈપણ ગ્રાહક સાથે અન્યાય અથવા છેતરપિંડી જેવી પરિસ્થિતિ સર્જાય તો તેઓ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરી શકે છે.
પ્રમુખ લાલજીભાઈ મહેતા 98257 90412, ઉપપ્રમુખ બળવંત ભટ્ટ 93274 99185 અને મંત્રી રામભાઈ મહેતા 99048 98048 ના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.









