માર્ગ-વીજ સુધારણા માટે તાત્કાલિક સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી.
ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ હળવદ રોડ વિસ્તારમાં ઉદ્યોગકારોના પ્રશ્નો સાંભળી સ્થળ પર મુલાકાત લીધી હતી. ઊંચી માંડલ-તળાવિયા રોડની ટ્રાફિક સમસ્યાનું સમાધાન કરવા ૧૧ કેવીની વિજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કરવાનો આદેશ આપી, એકોર્ડ સિરામિક પાસે નર્મદા કેનાલ બ્રિજને પહોળો કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત તળાવિયા શનાળા-નીચી માંડલ અને ઘુંટુ-તળાવિયા શનાળા રસ્તાઓને સીસી રોડ બનાવવા માટે પણ માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
હળવદ રોડ પર ઉદ્યોગકારોના પ્રશ્નોના સમાધાન માટે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા વિશેષ રુબરુ સ્થળ મુલાકાતે આવ્યા હતા. એકોર્ડ સ્લેબ ટાઇલ્સ ખાતે યોજાયેલી બેઠકમાં ઉદ્યોગકારોએ ટ્રાફિક, રસ્તા અને વીજ લાઇનોને લીધે ઉભી થતી મુશ્કેલીઓ રજૂ કરી હતી. ટ્રાફિક સમસ્યાને અગત્યની ગણાવી ધારાસભ્યએ ખાસ કરીને ઊંચી માંડલથી તળાવિયા રોડ પર બે સાઇડની ૧૧ કેવીની વિજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કરીને વીજપોલ દૂર કરવાની સુચના પીજીવીસીએલના અધિકારીઓને આપી હતી. તેમણે એકોર્ડ સિરામિક પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઉપરના બ્રિજને પહોળો કરીને વાહનવ્યવહાર સરળ બનાવવા નર્મદા વિભાગના અધિકારીઓને કાર્યનું માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ તળાવિયા શનાળા ગામથી નીચી માંડલ સુધીના કાચા રસ્તાને સીસી રોડ બનાવવા અને ઘુંટુ ગામથી તળાવિયા શનાળા સુધીના કાચા માર્ગને સીસી રોડમાં રૂપાંતરિત કરવાની સ્થળ ઉપર તપાસ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. તળાવિયા શનાળા સીસી રોડને પણ ભવિષ્યમાં જરૂરિયાતોને અનુરૂપ પહોળો કરવાની ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્યએ ઉદ્યોગકારોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા. મિટિંગમાં સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ નરભેરામભાઈ સરડવા, પૂર્વ ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત, કેપેકસીલના સિરામિક પેનલ ચેરમેન નિલેશભાઈ જેતપરિયા, નિલસન ગ્રુપના સંજયભાઈ માકાસણા સહિત અગ્રણી ઉદ્યોગપતિ ભગવાનજીભાઈ, કેતનભાઈ (બાથેરો ગ્રુપ), જીતુભાઈ (લેવીસ ગ્રુપ) અને યુવા ઉદ્યોગકારોએ હાજરી આપી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનું સ્વાગત કર્યું હતું.









