મોરબી જીલ્લામાં વધતી પ્રોહિબીશન વિરુદ્ધની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર કડક નિયંત્રણ લાવવા જીલ્લા પોલીસે સતત રેઇડ અને તપાસ બાદ ત્રણ નામચીન બુટલેગરો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી છે. જીલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ ત્રણેય આરોપીઓને ઝડપીને જુદી-જુદી જેલોમાં મોકલવામાં આવ્યા છે.
મોરબી જીલ્લા પોલીસ દ્વારા પ્રોહિબીશનના વધતા ગુનાઓને નિયંત્રિત કરવા માટે સખ્ત પગલા લેવામાં આવી રહ્યા છે. જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશનોને ગેરકાયદેસર દારૂનો વેપાર કરતા ઇસમો પર નજર રાખીને તેમના ગુન્હાહીત ઈતિહાસના આધારે પાસા હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને મોરબી એલ.સી.બી. અને હળવદ પોલીસ સ્ટેશન પીઆઇ દ્વારા પ્રોહિબીશનના જૂના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ અલ્પેશભાઈ રમેશભાઈ જીજીંજરીયા, રવિભાઈ રમેશભાઈ વિંજવાડીયા તથા તેજશભાઈ નરશીભાઈ લાંઘણોજા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરીને જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. ત્યારે જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા તાત્કાલિક ત્રણેય ઇસમો વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યા બાદ, જીલ્લા પોલીસની અલગ-અલગ ટીમોએ ખાસ ઓપરેશન ચલાવી ત્રણેય આરોપીઓ અલ્પેશભાઇ રમેશભાઇ જીજીંજરીયા રહે. જુના ઘુંટુ રોડ મોરબી, રવિભાઇ રમેશભાઇ વિંજવાડીયા રહે.જુના ઘુંટુ રોડ મોરબી તથા તેજશભાઇ નરશીભાઇ લાંઘણોજા રહે. ખાખરેચી તા.માળીયા(મી) વાળાને ઝડપીને જુદી-જુદી જેલ હવાલે કર્યા છે. જેમાં અલ્પેશભાઈ જીજીંજરીયાને મધ્યસ્થ જેલ વડોદરા, રવિભાઈ વિંજવાડિયાને જીલ્લા જેલ જુનાગઢ અને તેજશભાઈ લાંઘણોજાને જીલ્લા જેલ ભાવનગરમાં મોકલવામાં આવ્યા હતા.
મોરબી પોલીસે આ કાર્યવાહી સાથે જ પ્રજાજનોને અપીલ કરી છે કે ગેરકાયદેસર દારૂ વેચાણ અને હેરાફેરીના કારણે યુવાનો, મજૂર વર્ગ અને વિધાર્થીઓમાં નશાની લત વધી રહી છે, જે તેમને શારીરિક અને આર્થિક રીતે પાયમાલ કરે છે. નશાના કારણે મિલ્કતના ગુનાઓમાં પણ વધારો થાય છે, તેથી પ્રોહિબીશનના ગેરકાયદેસર વેપારને રોકવો અત્યંત જરૂરી છે. પોલીસે જીલ્લાના દરેક નાગરિકોને વિનંતી કરી છે કે પોતાના વિસ્તાર, શાળાઓ, કોલેજ, જાહેર સ્થળો, ઔદ્યોગિક વિસ્તારો, નદી-નાળા, અવાવરૂ સ્થળો કે હોટલો-ઢાબાઓ આસપાસ દારૂ વેચાણ કે હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જોવામાં આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા મોરબી જીલ્લા કન્ટ્રોલ રૂમ (મોબાઈલ: ૭૪૩૩૯ ૭૫૯૪૩- ફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૪૭૯/૮૦ અથવા ડાયલ-૧૧૨ ઉપર જાણ કરી સહયોગ આપવો તેમ પ્રજાજોગ સંદેશ આપી અનુરોધ કર્યો છે.









