મોરબીના લખધીરપુર રોડ સ્થિત રીવાઇન્ડિંગ દુકાનમાં થયેલી ચોરીના બનાવમાં મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે બે આરોપીઓને પૂર્વ બાતમીને આધારે એક જૂની છકડો રીક્ષા તથા ચોરી કરેલ તાંબાનો વાયર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. હાલ પોલીસે ચોરી કરતી ગેંગના અન્ય સાગરીતોની પણ અટક કરવા વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
મોરબી શહેરના લખધીરપુર રોડ ઉપર આવેલ પટેલ ચેમ્બર કોમ્પ્લેક્ષની દુકાન નં.૪ “ન્યૂ પટેલ રીવાઇન્ડિંગ”માં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.૦૩/૧૨ના રોજ નોંધાયેલ ફરિયાદ મૂજબ, દુકાન માલિક મનીષભાઇ રામજીભાઇ મેરજા રહે. મોરબી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ કોઈ અજાણ્યા ઈસમોએ રાત્રિના સમયે રિવાન્ડિંગની દુકાનનું શટર ઉંચકી દુકાનમાં પ્રવેશ કરી ઇલેક્ટ્રીક મોટરના કોપર વાયર, સબમર્સિબલ મોટરનો નવો વાયર, કોપરના ભંગાર વાયર, ઇલેક્ટ્રીક મોટરની બોડીઓ, ટ્રાન્સફોર્મર તેમજ સી.સી.ટી.વી. કેમેરા અને રેકોર્ડર મળી કુલ અંદાજે રૂા. ૧,૯૮,૨૦૦/- ના મુદામાલની ચોરી કરી હતી. આ ચોરીના ગુના બાબતે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાઓ હેઠળ એલ.સી.બી. મોરબી અને પેરોલ-ફર્લો સ્કવોડની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન ખાનગીરાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે લાભનગર નજીક ધરમપુર રોડ પર વોચ ગોઠવી હતી ત્યારે ત્યાંથી નંબર વગરની જુની છકડો રીક્ષા પસાર થતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ચોરીનો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે છકડો રીક્ષા કિ.રૂ.૨૫,૦૦૦/-) તથા આશરે ૧૦૦ કિલોગ્રામ તાંબાનો વાયર કિ.રૂ.૩૯,૭૦૦/- જપ્ત કરી કુલ રૂ. ૬૪,૭૦૦/-નો મુદામાલ કબજે કર્યો હતો. આ સાથે બે આરોપીઓ સંજય ઉર્ફે અભલો ગીરીશભાઇ સોલંકી રહે.રાજકોટ તથા સંજય ઉર્ફે સંજલો શંભુભાઇ ડાભી રહે. રાજકોટ એમ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી તે બન્ને આરોપીઓને આગળની કાર્યવાહી સબબ સીટી બી ડિવિઝન પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.
આ સાથે મોરબી પોલીસે નાગરિકો અને વેપારીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના ઘરો અને દુકાનોની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા રાખે, સારી ગુણવત્તાના સી.સી.ટી.વી. કેમેરા લગાવે તથા કોઈ શંકાસ્પદ વ્યક્તી અથવા વાહન જણાય તો તરત નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમ નં. ૦૨૮૨૨-૨૪૩૪૭૯/૮૦ અથવા ડાયલ ૧૧૨ પર જાણ કરે તેમ પ્રજાજોગ સંદેશ આપ્યો છે









