મોરબી જીલ્લામાં પ્રોહી-જુગાર સામે કડક કાર્યવાહી હેઠળ માળીયા(મી) પોલીસે પ્રોહીબિશન ગુનામાં સંડોવાયેલા એક ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જીલ્લામાં પ્રોહીબિશન તેમજ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અનુસંધાને માળીયા(મી) પોલીસ સ્ટેશનના પી.આઇ. દ્વારા પ્રોહીબિશનના ગુનામાં વારંવાર સંડોવાયેલા આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત તૈયાર કરી મોરબી મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી. જે વિગતોને આધારે મેજિસ્ટ્રેટે પાસા એક્ટ હેઠળ આરોપી જાકીર ઉર્ફે જાકલો માલાણીનું પાસા વોરંટ ઇસ્યુ કરતાં તરત જ માળીયા(મી) પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે આરોપી જાકિર ઉર્ફે જાકલો અકબરભાઈ માલાણી રહે. માલાણી શેરી માળીયા(મી) વાળાની અટકાયત કરી તેમને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી મધ્યસ્થ જેલ ભાવનગર હવાલે કરવામાં આવ્યો છે









