વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર બે બાઇક વચ્ચે અકસ્માતની ઘટનામાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની માર્ગ અકસ્માતની ઘટનામાં રોંગ સાઈડમાં આવતા બાઈકે, સામેથી આવતા બાઇકને જોરદાર ટક્કર મારતા, બંને બાઇક ઉપર સવાર ત્રણેય વ્યક્તિ રોડ ઉપર પટકાયા હતા, જેમાં બાઇક ચાલક યુવકને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા, પ્રથમ મોરબી બાદ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ટૂંકી સારવારમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મોટર સાયકલ પાછળ બેઠેલ યુવકની ફરિયાદને આધારે રોંગ સાઈડમાં ચલાવી આવતા બાઇક ચાલક આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતા રાહુલભાઈ મનુભાઈ વોરા ઉવ.૧૯ કે જેઓ બંધુનગર નજીક પેટ્રોલપંપ ખાતે નોકરી કરતા હોય ત્યારે ગઈ તા.૦૭/૧૨ ના રોજ રાત્રીના ૧૧ વાગ્યે, રાહુલભાઈ તથા તે જ પેટ્રોલ પંપમાં સીએનજી વિભાગમાં મેનેજર તરીકે નોકરી કરતા કેતનભાઈ ખીમાભાઈ રાઠોડ નાસ્તો લેવા વાંકાનેર ટોલનાકા નજીક રાહુલભાઈનું મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એજી-૦૩૯૦ ઉપર જતા હોય, ત્યારે મોટરસાયકલ કેટણભાઈ ચલાવતા હોય, ત્યારબાદ રાહુલભાઈ અને કેતનભાઈ મોટર સાયકલ ઉપર ભયાતી જાંબુડીયા પહોંચ્યા હશે ત્યારે સામેથી રોંગ સાઈડમાં પુર ઝડપે આવતા મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએ-૩૫૬૧ ના ચાલકે આવી, રાહુલભાઈના મોટર સાયકલમાં સનેથી જોરદાર ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં મોટર સાયકલ ચાલક કેતનભાઈ રાઠોડને માથામાં તથા કપાળમાં ઇજાઓ પહોચતા તેઓ બેભાન થઈ ગયા હતા, જ્યારે રોંગ સાઈડમાં ચલાવીને આવતા મોટર સાયકલ ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી, ત્યારે ત્રણેય ઇજાગ્રસ્તોને મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે કેતનભાઈને રાજકોટ શિફ્ટ કર્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન કેતનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ ઇજાગ્રસ્ત રાહુલભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









