નડિયાદમાં યોજાયેલા ઝોન કક્ષાના કલા મહાકુંભમાં હળવદની શિક્ષિકા બહેનોએ રાસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ૨૧ થી ૫૯ વર્ષની વયજૂથમાં સમગ્ર ઝોનમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્ય કક્ષા માટે પસંદગી મેળવવામાં આવી છે. આ સાથે મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
નડિયાદ મુકામે જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, ખેડા (નડિયાદ) દ્વારા આયોજન કરાયેલ ઝોન કક્ષાના કલા મહાકુંભનું સુંદર આયોજન સંતરામ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ, શ્રી સંતરામ મંદિર પરિસરમાં યોજાયું હતું. આ સ્પર્ધામાં મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વિવિધ પ્રાથમિક શાળાઓમાં નોકરી કરતી શિક્ષિકાઓ તેમજ ગૃહિણીઓ સહિત કુલ ૧૬ બહેનોએ “રંગીલું હળવદ” નામની ટીમ બનાવીને ભાગ લીધો હતો. ૨૧ થી ૫૯ વર્ષની વયજૂથમાં યોજાયેલી રાસ સ્પર્ધામાં હળવદ તાલુકાની બહેનોએ “કાનજી ક્યાં રમી આવ્યા રાસ” થીમ પર હાર્મોનિયમ અને ઢોલના તાલે ગઢવી સાહેબના દુહા છંદ સાથે રાસ પ્રસ્તુતિ કરી હતી. કોઈપણ પ્રકારની વ્યવસાયિક કોરિયોગ્રાફી વિના કુદરતી લય અને તાલ સાથે કરાયેલ રાસની પ્રસ્તુતિએ દર્શકો અને નિર્ણાયક મંડળને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ સ્પર્ધામાં વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને બોટાદ જેવા જીલ્લાઓને પાછળ છોડી હળવદની ટીમે પ્રથમ નંબર પ્રાપ્ત કરી મોરબી જીલ્લાનું નામ ઝળહળતું કર્યું છે. હવે આ ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી પામી છે. વ્યસ્ત દૈનિક જીવનમાંથી સમય કાઢી સતત પ્રેક્ટિસ કરનાર આ બહેનોની મહેનતને સર્વત્ર શુભેચ્છાઓ અપાઈ રહી છે, અને સમગ્ર હળવદ તાલુકો તેમજ મોરબી જીલ્લા માટે આ ક્ષણ ગૌરવપૂર્ણ બની છે









