મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓમાં ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ માહિતીના આધારે એમપીના શાહગંજ વિસ્તારમાંથી હસ્તગત કર્યો હતો. આ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી માટે પકડાયેલ આરોપીને મોરબી તાલુકા પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.
મોરબી તાલુકા વિસ્તારમાં વર્ષ ૨૦૧૫ માં થયેલા ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ અને છેલ્લા ૧૦ વર્ષથી નાસતો ફરતો આરોપી જફરૂદીન કમરૂદીન મેવને આખરે મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડ દ્વારા પકડી પાડવામાં સફળતા મળી છે. આરોપી જફરૂદીન મૂળ ભરતપુર રાજસ્થાનનો વતની છે તથા જોતકાદર પહાડી વિસ્તારમાં રહેતો હતો અને લાંબા સમયથી પોતાની ઘરપકડ ટાળવા ૧૦ વર્ષથી નાસતો ફરતો હતો. ત્યારે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડે નાશતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન હ્યુમન સોર્સીસ, ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી રાહે મળેલી માહિતીના આધારે આરોપી મધ્યપ્રદેશના સિહોર જીલ્લાનાં શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇશારપુર ખાતે હોવાની વિગતો મળતા મોરબી પોલીસ અધિક્ષકની મંજૂરી મેળવી એલસીબીની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને ત્યાં ઇશારપુર ખાતે રાજેશ ચૌહાણની વાડીએથી આરોપી જફરૂદીન મળી આવતા તુરંત તેને હસ્તગત કરી ઘરફોડ ચોરીના ગુનાઓમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.









