મોરબી જીલ્લામાં મ્યુલ એકાઉન્ટના ઉપયોગથી સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાના એક પછી એક કાવતરા બહાર આવ્યાં છે. ત્યારે શહેરના બી ડિવિઝન પોલીસ મથકે વધુ ત્રણ સામે મ્યુલ એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. આ સાથે પોલીસે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી શહેરના પ્રતિક જિતેશભાઈ કુબાવત રહે. શ્રી રામ હરી પાર્ક અરૂણોદયનગર મોરબી-૨, મહાવિરસિંહ પપ્પુભા વાઘેલા રહે. પીપળી હાલ ગંજાનંદ પાર્ક પીપળી રોડ મોરબી-૨ અને રવિભાઈ ગઢવી રહે. મોરબી વાળાએ એકબીજા સાથે મળીને પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચ્યું હતું. તેમણે વિવિધ વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ અને છેતરપીંડીથી મેળવેલા નાણાં સગેવગે કરવા મ્યુલ તરીકે બેંક એકાઉન્ટોનો ઉપયોગ કર્યો હતો. તપાસમાં ખુલ્યા મુજબ આરોપી પ્રતિક કુબાવત અને મહાવિરસિંહ વાઘેલાને એજન્ટ તરીકે રાખી તેમને ૨ ટકા કમિશનની લાલચ આપી રવિભાઈ ગઢવીએ તેમના ખાતામાં રૂ. ૧૪ લાખથી વધુ રકમ જમા કરવી હતી. ત્યારબાદ આ રકમ તેઓએ ચેક અને એ.ટી.એમ. દ્વારા વિડ્રો કરી રોકડ રકમ મુખ્ય આરોપીઓને મોકલી આપી હતી. હાલ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કરવામાં આવેલી વિસ્તૃત પૂછપરછમાં તમામ ત્રણેય ઈસમોએ એકબીજાની મદદથી સાયબર છેતરપીંડીના નાણા વટાવવામાં સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે તમામ આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરાઈ છે.









