મોરબી શહેરના નવલખી બાયપાસ નજીક કૈલાસ પાર્કમાં રહેતા ૪૫ વર્ષીય આધેડનું ડાયાબિટીસની બીમારીના કારણે મોત થયું છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરના કૈલાશ પાર્ક ભગવતી હોલ પાછળ નવલખી બાયપાસ વિસ્તારમાં રહેતા રમેશભાઈ જેરામભાઈ કંઝારીયા ઉવ.૪૫નું ડાયાબિટીસની ગંભીર બીમારીના કારણે મોત નિપજ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ મૃતકને છેલ્લા બે મહિનાથી ડાયાબિટીસના કારણે જમણા પગમાં ગેંગરીન થયેલ હોવાથી રાજકોટની જીનેસિસ હોસ્પિટલ તેમજ રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં આશરે ૨૫ દિવસ સુધી સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી રજા બાદ ઘરે આવ્યા પછી તબિયત વધુ બગડતા તેમને સરકારી હોસ્પિટલ મોરબી ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની એન્ટ્રી કરી છે.









