માળીયા(મી) તાલુકાના જુના ઘાંટીલા ગામની સીમમાં વાડીએ ભૂલથી કપાસમાં છાંટવાની દવા વાળા ગ્લાસમાં પાણી પી લેતા ૧૯ વર્ષીય પરિણીતાનું મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.મોત
મળતી વિગતો અનુસાર, મૂળ દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના મોડવા ગામના રહેવાસી અને હાલ માળીયા(મી) તાલુકાના જુના ઘાંટીલા ગામની સીમમાં દિનેશભાઈ પટેલની વાડીએ રહેતા બુધલીબેન અશ્વિનભાઈ ભુપતભાઈ ધાણકાપગી ઉવ.૧૯નું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ તા.૦૪-૧૨ના રોજ વાડીના ઓરડામાં ભૂલથી કપાસમાં છાંટવાની દવા ભરેલા ગ્લાસમાંથી પાણી પી જતા તેમની તબિયત બગડી હતી. પ્રાથમિક સારવાર માટે તેમને જેતપર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તા.૧૨/૧૨ના રોજ તેમનું મોત થતા માળીયા(મી) પોલીસની તપાસમાં મૃતક પરિણીતાના ૬ માસ પૂર્વે લગ્ન થયા હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું હતું. હાલ પોલીસે અ.મોત રજીસ્ટર કરીને આગળની તપાસ શરૂ કરી છે.









