મોરબીના પીપળી રોડ પર મોબાઈલ દુકાન ચલાવતા યુવકનું દુકાનેથી માર મારી બળજબરીથી અપહરણ કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોટાભાઈ પાસેથી રૂપિયા લેવાના મુદ્દે પાંચથી છ શખ્સોએ કારમાં બેસાડી યુવકને અલગ અલગ સ્થળોએ લઈ જઈ તેના ઉપર હુમલો કર્યો હતો. લાકડી તેમજ ઢીકા-પાટુ વડે બેફામ માર મારવામાં આવતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મોરબી શહેર નજીક પીપળી ગામ પાસે કોયો સિરામિક સામે “સચિયાર કોમ્યુનિકેશન” નામની મોબાઈલ દુકાન ધરાવતા અમરતસિંઘ ભુરો ઉર્ફે ભુરજી સોઢા રહે.મોરબી-૨ રવિનગર મયુર સોસાયટી પાછળ ત્રાજપર નામના વેપારી યુવકનું અપહરણ કરી માર મારવાની ગંભીર ઘટના સામે આવી છે. ફરિયાદ મુજબ, ગઈકાલ તા.૧૩/૧૨ના બપોરે ફરિયાદી અમરતસિંઘ પોતાની દુકાનમાં હાજર હતો ત્યારે તેના મોટાભાઈ નરસીઘભાઈ પાસેથી પૈસા લેવાના મુદ્દે પિયુષભાઈ પટેલ, નવઘણભાઈ, ભગીભાઈ તથા અન્ય અજાણ્યા શખ્સો દુકાને આવ્યા હતા. આરોપીઓએ અમરતસિંઘને ગાળો આપી, માર મારી દુકાનમાંથી વાળ ખેંચી ઢસડીને બહાર કાઢી બ્લેક કલરની ફોરવીલ ગાડીમાં બળજબરીથી બેસાડ્યો હતો. ત્યારબાદ પાવડીયારી કેનાલ અને બાદમાં ભરતનગર નજીકની વાડી સુધી લઈ જઈ લાકડી તેમજ ઢીકા-પાટુ વડે બેફામ માર માર્યો હતો. આરોપીઓએ ફરિયાદી અમરતસિંઘને ધમકી આપી હતી કે તેના ભાઈ નરસીંઘ પાસેથી ચારથી પાંચ કરોડ રૂપિયા લેવાના છે અને તેને અહીં બોલાવ તેમ કહી આડેધડ લાકડી અને ફહિક પાટુ વડે માર મારવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને બાદમાં પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. સમગ્ર બનાવ અંગે યુવકે પોલીસમાં ત્રણ આરોપીઓની નામજોગ અને અન્ય અજાણ્યા વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ નોંધાવતા, પોલીસે અપહરણ, મારામારી અને ધમકી અંગેની વિવિધ કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.









