મોરબી: મકરસંક્રાંતિ તહેવાર દરમિયાન પતંગ અને દોરા સહિત તહેવારી વસ્તુઓના વેચાણ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા મારદર્શિકા જાહેર કરી હતી, જેમાં મહાપાલિકા દ્વારા નિર્ધારિત સ્થળોએ સ્ટોલ મૂકવાની મંજૂરી આપવામાં આવશે. આ માટે વેપારીઓએ લેખિત અરજી કરી જરૂરી દસ્તાવેજો રજૂ કરવા અનિવાર્ય રહેશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો અને વેપારીઓને જાણ કરવામાં આવી છે કે મકરસંક્રાંતિ તહેવાર દરમિયાન તહેવારી ખરીદી અને વેચાણ સુગમ બને તે માટે નિર્ધારિત સ્થળોએ સ્ટોલ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. સ્ટોલ માટે ઇચ્છુક વેપારીઓએ મહાનગરપાલિકા કચેરીમાં લેખિત અરજી કરવાની રહેશે તથા ઓળખપત્ર, જરૂરી હોય તો વ્યવસાય સંબંધિત લાઇસન્સ અને સ્ટોલ લગાવવાની જગ્યા અંગેની વિગતો જોડવાની રહેશે. અરજીની ચકાસણી બાદ મહાનગરપાલિકા દ્વારા યોગ્ય તપાસ કરી મંજૂરી આપવામાં આવશે અને મંજૂર થયેલ અરજદારોએ નક્કી કરેલ ફી ભરી રસીદ મેળવી મંજૂરીની નકલ સ્ટોલ સ્થાને જાહેરમાં પ્રદર્શિત કરવાની રહેશે. સ્ટોલ માટેની અરજીઓ તા.૧૦-૦૧-૨૦૨૬ સુધી સ્વીકારવામાં આવશે. આ સાથે મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે મંજૂરી વિના વેપાર કરનાર સામે દંડનીય કાર્યવાહી થશે તેમજ આરોગ્ય, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ ઊભો કરનારની મંજૂરી રદ કરવામાં આવશે, જેમાં તમામ હક્ક અધિકાર મહાનગરપાલિકાને અબાધિત રહેશે તેમ યાદીમાં જણાવ્યું છે.









