મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ધરમપુર રોડ ઉપર લાભનગર નજીક હિટ એન્ડ રનના બનાવમાં સુપર કેરી વાહનના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં ચલાવી આવી રોડ ક્રોસ કરી રહેલ આધેડને હડફેટે લેતા, માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા, તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી સુપર કેરીનો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, હિટ એન્ડ રન અકસ્માતમાં મરણ જનારના દીકરા દેવરાજભાઈ દિનેશભાઇ ઇન્દરીયા ઉવ.૨૧ રહે. વેજીટેબલ રોડ લાભનગર સોસાયટી મોરબી-૨ મૂળ રહે. મોટા દહીંસરા તા.માળીયા(મી) વાળાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં મારુતિ સુપર કેરી વાહન રજી.નં. જીજે-૩૬-વી-૭૨૯૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૦૩/૧૨ના રોજ ફરિયાદીના પિતા દિનેશભાઇ ગોવિંદભાઇ ઇન્ડરીયા ઉવ.૪૫ વાળા ધરમપુર રોડ ઉપર લાભનગર નજીક ખોડિયાર માતાના મંદિર નજીક રોડ ક્રોસ કરી રહેલ હોય ત્યારે ઉપરોકત સુપર કેરીના ચાલકે તેનું વાહન પુરઝડપે ચલાવી આવી દિનેશભાઇને હડફેટે લેતા, તેમને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા દીનેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ બાદ તુરંત સુપર કેરી વાહનનો ચાલક પોતાનું વાહન લઈને ભાગી હતો. હાલ બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









