હળવદ બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં રહેતા યુવક સાથે અગાઉના ઝઘડાનો ખાર રાખી ત્રણ જેટલા ઈસમોએ તલવાર તથા ધોકાઓ સહિતના ઘાતક હથિયારો સાથે આવી યુવક અને તેના પરિવાર ઉપર હુમલો કર્યો હતો, અને યુવકના ત્રણ જેટલા વાહનમાં તોડફોડ કરી નુકસાની કરી હતી. આ હુમલામાં યુવકને અને તેમના બહેનને મૂંઢ ઇજાઓ પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદને આધારે હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા અને ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા વિજયભાઈ કાળુભાઇ પરમારે હળવદ પોલીસ મથકમાં આરોપી ઉમેશભાઈ બચુભાઇ રાઠોડ રહે.સરા રોડ હળવદ, પ્રકાશભાઈ રાઠોડ જીતુભાઇ જગાભાઈ રાઠોડ બંને રહે.કૃષિ શાળા રોડ બસ સ્ટેન્ડ પાછળ હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈકાલ તા.૧૫ ના રોજ ફરિયાદી વિજયભાઈ પોતાના ઘરે જમવા આવ્યા ત્યારે ત્રણેય આરોપીઓ કે જેઓ ફરિયાદી વિજયભાઇ કૌંટુંબીક ભાઈઓ સાથે અગાઉ ઝઘડો થયો હોય તેનો ખાર રાખી ત્રણેય આરોપીઓ હાથમાં તલવાર, ધોકા જેવા હથિયારો ધારણ કરી આવીને ફરિયાદી અને તેમના બહેન ઉપર હુમલો કર્યો હતો, અને ફરિયાદીના ઘર પાસે પડેલ ત્રણ મોટર સાયકલમાં પણ તોડફોડ કરી નુકસાની કરી હતી. હુમલામાં ઘાયલ બન્ને ભાઈ-બહેનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. હાલ હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









