મોરબીના પીપળી રોડ પરથી વેપારીનું અપહરણ કરી માર મારવાની ઘટનામાં મોરબી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વધુ બે આરોપીઓની અટકાયત કરી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ પાંચ આરોપીઓ ઝડપાયા છે.
મોરબીના પીપળી રોડ પરથી ફોર્ચ્યુનર કારમાં વેપારીનું અપહરણ કરી માર મારવાની ગંભીર ઘટનામાં મોરબી પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી લઈ ભોગ બનનારને સુરક્ષિત રીતે છોડાવ્યો હતો, જ્યારે હવે આ કેસમાં સંડોવાયેલા વધુ બે આરોપીઓની પણ અટકાયત કરવામાં આવી છે. જેના પગલે હાલ કુલ પાંચ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. અપહરણ કેસની ટુક વિગત મુજબ તા. ૧૩/૧૨ના રોજ મોરબી જીલ્લા કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેતપર રોડ પર એ.બી.સી. સિરામિક નજીકથી એક વેપારીનું ફોર્ચ્યુનર કારમાં અપહરણ કરી લઈ જવામાં આવ્યો છે. બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ અનુસંધાને એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમોએ નાકાબંધી કરી મોરબી-કંડલા બાયપાસ રોડ પર ધરમપુર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન કાળા રંગની ફોર્ચ્યુનર કાર રજી.નં. જીજે-૦૩-એફડી-૭૯૯૭ને રોકી તપાસ કરતા તેમાં અપહરણ કરાયેલા વેપારી અમરતસિંઘ ભુરો ઉર્ફે ભુરસિંઘ સોઢા રહે. મોરબી મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ભોગ બનનારના ભાઈ પાસેથી પૈસાની ઉઘરાણી બાબતે આરોપીઓએ ઝપાઝપી કરી બળજબરીથી અપહરણ કરી માર માર્યો હતો. આ કેસમાં પોલીસે નવઘણભાઈ ઉર્ફે ખુટીયો વેલજીભાઈ સોઢા ઉવ.૪૦ રહે.જેતપર ગામ તા.જી મોરબી મૂળ ગામ માળીયા(મી), પિયુષભાઈ હસમુખભાઈ લોરીયા ઉવ.૩૫ રહે. આમજા ગામ તા.જી.ગાંધીનગર હાલ રહે. લૂંટાવદર ગામ તા.જી. મોરબી તથા ભગીરથભાઈ રતિલાલભાઈ થોરિયા ઉવ.૩૧ રહે.બગથળા ગામ તા.જી.મોરબી વાળાને ઝડપી લઈ તેમની પાસેથી ફોર્ચ્યુનર કાર તથા ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧૦.૪૦ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
આગળની તપાસ દરમિયાન સંડોવાયેલા વધુ બે આરોપી હાર્દિકભાઈ શામજીભાઈ થોરીયા ઉવ.૩૩ રહે.બગથળા ખડી તથા આરોપી હસમુખભાઈ બહાદુરભાઇ પાટડીયા ઉવ.૩૦ રહે. મોરબી મહેન્દ્રનગર સામે ગાયત્રી સોસાયટી વાળાની પણ ધરપકડ કરવામાં આવતા હાલ આ અપહરણ અને મારામારીના કેસમાં કુલ પાંચ આરોપીઓ ઝડપાયા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









