મોરબી મહાનગરપાલિકા વોટર વર્કસ શાખા દ્વારા સુરજ બાગ હેડવર્કસની મેન લાઈન ઉપર વાલ્વ શિફ્ટિંગ કામગીરી હાથ ધરાતા તા. ૧૬ થી ૧૮ ડિસેમ્બર દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
મોરબી મહાનગરપાલિકા વોટર વર્કસ શાખાએ યાદી મારફતે જાહેર કર્યું છે કે, મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સુરજ બાગ ખાતે બગીચાની કામગીરી હાલ પ્રગતિમાં છે. આ કામગીરીના અનુસંધાને ગૌશાળા હેડવર્કસથી સુરજ બાગ હેડવર્કસ સુધીની મેન લાઈન ઉપર વાલ્વ શિફ્ટિંગ તથા સલામતી સંબંધિત કામગીરી કરવાની હોવાથી તા. ૧૬/૧૨/૨૦૨૫ થી ૧૮/૧૨/૨૦૨૫ સુધી સતત ત્રણ દિવસ કામગીરી કરવામાં આવશે. આ કારણે શહેરના માધાપર વિસ્તાર, સોમૈયા સોસાયટી, ભગવતીપરા નવડેલા રોડ, નાસ્તા ગલી, પખાલી શેરી, ગેસ્ટ હાઉસ રોડ, નાગર પ્લોટ, વીસીપરા વિસ્તાર, દાણાપીઠ હેડવર્કસ વિસ્તાર, પંચાસર હેડવર્કસ વિસ્તાર, સુરજ બાગ હેડવર્કસ વિસ્તાર તેમજ રણછોડનગર હેડવર્કસ (દરબારગઢ) હેઠળ આવતા વિસ્તારોમાં કુલ ત્રણ દિવસ માટે પાણી વિતરણ બંધ રહેશે. આથી મોરબી મહાનગરપાલિકાના સિટી ઇજનેરે જાહેર જનતાને અપીલ કરી છે કે ઉપરોક્ત સમયગાળા દરમિયાન પાણીનો સંગ્રહ કરી લે તથા અસુવિધા બદલ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.









