ગોડાઉનમાંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો હતો, ગોડાઉન માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો.
મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીક ગણેશ કોમ્પ્લેક્ષના ગોડાઉનમાં દરોડા દરમિયાન રૂ. ૯૧ લાખથી વધુનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેની તપાસમાં ભાડા કરાર કર્યા વગર ગોડાઉન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરવાના મામલે ગોડાઉન માલિક સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.
મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે ઉપર આવેલા શ્રી ગણેશ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં આવેલ ગોડાઉન આરોપી તેજસભાઈ મનુભાઈ વહેરા રહે. ધરમપુર તા. મોરબી વાળાએ આ ગોડાઉનમાં વિદેશી દારૂના સંગ્રહ અને ગેરકાયદે વેચાણ અંગે મળેલી માહિતીના આધારે પોલીસે ગોડાઉન ઉપર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી વિવિધ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ અને બિયરનો કુલ રૂ.૯૪,૭૭,૪૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે ગેરકાયદે દારૂનો જથ્થો રાખી વેંચાણ કરનાર સહિત સંડોવાયેલા આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ સમગ્ર તપાસની કાર્યવાહી અનુસંધાને ગોડાઉનના માલિક દુલર્ભજીભાઈ ગણેશભાઈ છનીયારા ઉવ.૫૫ રહે. આઇકોન રેસીડેન્સી એસ.પી. રીંગ રોડ મોરબી વાળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી ગોડાઉન માલિક દુર્લભજીભાઈએ પોતાની કાયદેસર માલિકીનું ગોડાઉન નિયત સમયમર્યાદામાં ભાડા કરાર અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કર્યા વગર ભાડે આપ્યું હોવાનું બહાર આવ્યું હતું, જે બાબતે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થયો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસે આરોપી ગોડાઉન માલીક વિરુદ્ધ બીએનએસ ૨૨૩ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.









