મોરબીના દલવાડી સર્કલ નજીક ટાટા કંપનીના ટ્રકના ચાલકે એકટીવાને પાછળથી ટક્કર મારતા એકટીવા ચાલક વૃદ્ધ રોડ ઉપર પટકાયા હતા, જે અકસ્માતમાં મોપેડ ચાલક વડીલને ગંભીર ઇજાઓ પહોચતા, સારવાર મળે તે પહેલાં જ વૃદ્ધનું મૃત્યુ મીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મોરબીના પંચાસર રોડ ઉપર બોખાની વાડી-વિસ્તારમાં રહેતા હીરાલાલ લવજીભાઈ નકુમ ઉવ.૪૫ વાળાએ આરોપી ટાટા કંપની ટ્રક રજી.નં. જીજે-૩૬-વી-૮૨૨૨ના ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે, ગઈકાલ તા.૧૬/૧૨ના રોજ સવારે ફરિયાદી હરિલાલના પિતા લવજીભાઈ નકુમ એકટીવા રજી.નં. જીજે-૦૩-એચએફ-૭૯૫૬ લઈને જતા હોય ત્યારે દલવાડી સર્કલ પાસે પાછળથી પુરપાટ ઝડપે આવતા ટાટા ટ્રકના ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવી આવી એકટીવાને હડફેટે લેતા, એકટીવા ચાલક લવજીભાઈને કમરથી નીચે તેમજ સાથળમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ દલવાડી પોઈન્ટ ઉપર ફરજ ઉપર રહેલા ટ્રાફિક પોલીસે તુરંત ઇજાગ્રસ્ત લવજીભાઈને તાત્કાલિક ઓટો રીક્ષામાં સરકારી હોસ્પિટલ ખાતે રવાના કર્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં લવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ સીટી એ ડિવિઝને સમગ્ર અકસ્માત મામલે મૃતકના પુત્રની ફરિયાદને આધારે આરોપી ટાટા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









