મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી સંસ્થા દ્વારા મૂક-બધિર દિવ્યાંગ દીકરીને મહેંદી ડિઝાઇનની વિશેષ તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા સરાહનીય પહેલ કરવામાં આવી છે.
મોરબી શહેરમાં સામાજિક સંવેદના અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મૂક-બધિર દિવ્યાંગ દીકરી જ્યોતિને મહેંદી ડિઝાઇનની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમનો મુખ્ય હેતુ જ્યોતિને રોજગારલક્ષી કૌશલ્ય પ્રદાન કરી તેને આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી તે પોતાના હુનર દ્વારા આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધી શકે. જ્યોતિના પિતા કડિયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા આપવામાં આવી રહેલી આ તાલીમ જ્યોતિ માટે સ્વાવલંબન તરફનું મહત્વપૂર્ણ પગથિયું સાબિત થઈ રહી છે. મહેંદી ડિઝાઇન જેવા હુનરમાં તાલીમ મેળવી જ્યોતિ ભવિષ્યમાં સ્વરોજગાર મેળવી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ સેવા કાર્યમાં મુસ્કાન વેલફેર સોસાયટી સાથે કિંજલ બ્યુટી પાર્લરના મુક્તાબેને સહકાર આપી, દીકરીને મહેંદી તાલીમ આપવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના માર્ગદર્શન, પ્રોત્સાહન અને મહેનતના પરિણામે જ્યોતિને પોતાના હુનરને નિખારવાની અને આગળ વધવાની નવી તક મળી છે.
આ સાથે મુસ્કાન વેલફેર સોસાયટીને દૃઢ વિશ્વાસ છે કે યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય તક મળે તો કોઈપણ દિવ્યાંગ દીકરી પોતાની ક્ષમતાને ઓળખી સફળતાના શિખરો સર કરી શકે છે. દિવ્યાંગ દીકરીઓને સમાજની મુખ્યધારામાં સન્માનપૂર્ણ સ્થાન અપાવવું એ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી હોવાનું સંસ્થાએ જણાવ્યું હતું.









