મોરબીના ધન્વંતરિ ભવન ખાતે તા.૨૧ રવિવારે વિવિધ નિદાન અને સારવાર માટે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાશે, જેમાં ડો. હસ્તલેખાબેન મહેતા (હસ્તીબેન)ના ૨૦૦મા કેમ્પની ઉજવણી થશે.
મોરબી શહેરના કાયાજી પ્લોટ-૩ સ્થિત ધન્વંતરિ ભવન ખાતે તા.૨૧ના રોજ રવિવારે એક દિવસીય નિઃશુલ્ક આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન દિવંગત સર્વે ઇન્દુલાલ એચ. મહેતા પરિવાર દ્વારા પિતા ઈન્દુભાઈ, માતા જયેન્દ્રબાળાબેન અને ફૈબા વિદ્યાબેનની પુનિત સ્મૃતિમાં કરવામાં આવ્યું છે. આ સાથે ડો. હસ્તલેખાબેન મહેતા (હસ્તીબેન) દ્વારા આયોજિત આ કેમ્પ તેમનો ૨૦૦મો આરોગ્ય કેમ્પ બનશે. કેમ્પમાં વિવિધ પ્રકારની નિદાન તથા સારવારની સુવિધા ઉપલબ્ધ રહેશે. કાંસ્ય થેરાપી સારવાર દ્વારા શરીરમાં રહેલા ઝેરી તત્વો દૂર કરવાની પ્રક્રિયા કરવામાં આવશે, જેના દ્વારા વાઢિયા, એસિડિટી, સાંધાના દુખાવા, પગના દુખાવા, સ્ટ્રેસ, એન્ઝાઈટી અને ડિપ્રેશન જેવી સમસ્યાઓમાં રાહત મળવાની માહિતી આપવામાં આવી છે. ઝેરી તત્વો શરીરમાંથી બહાર નીકળી કાળાશ સ્વરૂપે દેખાય છે.
રાજકોટની સુવિખ્યાત સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ઈસીજી, બ્લડ શુગર, બીપી ચેકઅપ સાથે ઊંચાઈ અને વજનની તપાસ કરવામાં આવશે. દર્દીઓને અગાઉની જૂની ફાઈલ સાથે લાવવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, સુપ્રસિદ્ધ શશિકાંત મહારાજના પૌત્ર ભરતભાઈ વ્યાસ દ્વારા આયુર્વેદિક પ્રાચીન જાલંધર પદ્ધતિથી ઇન્જેક્શન કે દવા વગર, માત્ર ખાસ આસનમાં બેસાડી માથાની નસ દબાવી દુખતા, સડેલા, તૂટેલા અથવા હલતા દાંત કાઢવાની તેમજ દાંત-પેઢાની સારવાર આપવામાં આવશે. ડો. સુરેશભાઈ કાલરીયા દ્વારા આંખોની પ્રાથમિક નિદાન અને સારવાર પણ કરવામાં આવશે.
કેમ્પનો સમય સવારે ૯ થી ૧ વાગ્યા સુધીનો રહેશે અને “વહેલા તે પહેલા”ના ધોરણે દર્દીઓની તપાસ કરવામાં આવશે. મોરબી તથા આસપાસના વિસ્તારોના નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.









