માળીયા(મી) તાલુકાના ચાચાવદરડા ગામ નજીક માળીયા-જામનગર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં પગપાળા દ્વારકા જઈ રહેલા ચાર યાત્રાળુઓનાં મોત નિપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. અજાણ્યા ટ્રક કન્ટેનર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થયો હતો. પોલીસ દ્વારા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી, નાસી ગયેલા ટ્રક કન્ટેઈનર ચાલકને પકડી લેવા તપાસ શરૂ કરી છે.
માળીયા તાલુકાના ચાચાવદરડા ગામ નજીક માળીયા-જામનગર સ્ટેટ હાઈવે પર હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે. દ્વારકા દર્શન માટે પગપાળા જઈ રહેલા યાત્રાળુઓના સંઘ પર એક ટ્રક કન્ટેનરે બેફામ ગતિએ આવી ચડાવી દેતાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે અકસ્માત અંગે ફરિયાદી નરસંગભાઈ સગથાભાઈ ચૌધરી ઉવ.૫૧ રહે. નવાદિયોદર તા. દિયોદર જી. વાવ-થરાદ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ તેઓ કુલ ૧૩ યાત્રાળુઓનો સંઘ પગપાળા દ્વારકા દર્શન માટે નીકળ્યો હતો. ત્યારે તા. ૧૬/૧૨/૨૦૨૫ના રોજ સાંજે માળીયા તાલુકાના સરવડ ગામે રાત્રી રોકાણ કર્યા બાદ ગઈકાલે તા. ૧૭/૧૨/૨૦૨૫ના રોજ વહેલી સવારે આશરે સાડા છ વાગ્યાના સમયે માળીયા-જામનગર હાઈવે પર શિવમ હોટલ અને પેટ્રોલ પંપ સામે રોડની સાઇડમાં પગપાળા ચાલતા હતા. તે દરમિયાન પાછળથી આવતા ટ્રક કન્ટેનર નં. જીજે-૧૨-બીવી-૯૬૪૯ (આગળ સફેદ અને પાછળ બ્લ્યુ કલરનું પુરઝડપે અને બેદરકારીપૂર્વક આવી યાત્રાળુઓને હડફેટે લીધા હતા. અકસ્માત બાદ કન્ટેનર ચાલક વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ફરિયાદી નરસંગભાઈને માથા સહિત હાથ-પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને પહેલા મોરબી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ગોઝારા અકસ્માતમાં હાર્દીકભાઈ માલાભાઈ ચૌધરી ઉવ.૩૦, દિલીપભાઈ રાયાભાઈ ચૌધરી (ઉવ.૨૮, અમરાભાઈ લાલજીભાઈ ચૌધરી ઉવ.૬૨ તથા ભગવાનજીભાઈ લાલજીભાઈ ચૌધરી ઉવ.૬૮)ને ગંભીર ઈજાઓ થતા તેમનાં મોત નિપજ્યાં હતા. આ બનાવ અંગે માળીયા(મી) પોલીસે આરોપી કન્ટેઇનર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫, ૨૮૧, ૧૨૫(૧), ૧૨૫(૨) તથા મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી, આરોપી ટ્રક કન્ટેનર ચાલકની શોધખોળ હાથ ધરી છે.









