આ સાથે મોરબીમાં હોટલો-શાળાઓની SOP મુજબ કડક ચકાસણી.
મોરબી: રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અંઓથોરાઇઝ્ડ ડેવલોપમેન્ટ એક્ટ-૨૦૨૨ (GRUDA)અંતર્ગત અનધિકૃત બાંધકામના નિયમિતકરણ માટે અરજીઓ કરવાની સમયમર્યાદામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વહીવટી તથા તકનિકી કારણોસર અગાઉ અરજી ન કરી શકેલા નાગરિકોને હવે વધુ એક તક મળશે. આ સાથે મોરબી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરની હોટલો અને શાળાઓમાં SOP મુજબ વ્યાપક ચકાસણી હાથ ધરાઈ છે. જેમાં નિયમોનો ભંગ જણાશે ત્યાં તબક્કાવાર કાયદેસર કાર્યવાહી કરાશે.
મોરબી મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકારના નિર્ણય મુજબ ગૃડા-૨૦૨૨ હેઠળ અનધિકૃત બાંધકામ નિયમિતકરણ માટે અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ઘણા નાગરિકો વિવિધ વહીવટી અને તકનિકી કારણોસર નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરી શક્યા ન હોવાથી જાહેરહિતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી મોરબી શહેર સહિત રાજ્યભરના પાત્ર નાગરિકોને તેમના અનધિકૃત બાંધકામને કાયદેસર રીતે નિયમિત કરવાની અને જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવાની વધુ એક તક પ્રાપ્ત થશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ પાત્ર અરજદારોને સૂચિત સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી પૂર્ણ કરવા અને વધુ માહિતી માટે સંબંધિત શાખાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત જાહેર સલામતી અને નિયમોના પાલનના હેતુસર મોરબી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ગત અઠવાડિયે મોરબી શહેરમાં આવેલી હોટલો તથા શાળાઓમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ S.O.P. મુજબ વ્યાપક ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ઇમારતની મંજૂરી, ફાયર સેફ્ટી વ્યવસ્થા, પાર્કિંગ સુવિધા, માળખાકીય સલામતી સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી આગળના સમયમાં તબક્કાવાર રીતે વધુ વિસ્તૃત કરવામાં આવશે અને જ્યાં પણ સરકારના નિયમો અથવા SOPનો ભંગ જોવા મળશે ત્યાં નિયમ અનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.









