મોરબીમાં રહેતા યુવકને બિરલા કલર કંપનીની એજન્સી આપવાની લોભામણી લાલચ આપી આરોપીઓએ અલગ-અલગ બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી કુલ રૂ. ૩.૬૮ લાખની ઠગાઈ કરી હતી. બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમ અન્વયે આરોપીઓ વિરુદ્ધ આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
મોરબી શહેરના ગાયત્રીનગર, વાવડી રોડ ખાતે રહેતા હર્ષદભાઈ રતીલાલભાઈ કંઝારીયા ઉવ.૩૩ વાળા ઓનલાઇન બિરલા કલર કંપનીની એજન્સી મેળવવાની લાલચમાં સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. જે મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, ફરિયાદી હર્ષદભાઈએ તા. ૦૧/૦૯/૨૦૨૫ના રોજ બિરલા ઓપસ કલરની એજન્સી લેવા માટે ગૂગલમાં સર્ચ કરતા “DEALER CONNECT BIRLA OPUS” નામની વેબસાઇટ મળી હતી. જેમાં એજન્સી માટે ઓનલાઈન અરજી કર્યા બાદ તા. ૨૫/૦૯/૨૦૨૫ના રોજ [email protected] પરથી ઈ-મેઇલ આવ્યો હતો. બાદમાં આરોપીઓએ પોતે બિરલા કંપનીમાંથી બોલતા હોવાનું કહી દસ્તાવેજો મંગાવી એજન્સી મંજૂર થયાનું જણાવ્યું હતું. આરોપીઓએ અલગ-અલગ સમયે ઇન્ડિયન ઓવરસીસ બેંક તથા પંજાબ નેશનલ બેંકના ખાતામાં એજન્સી ફી, ડિપોઝિટ તથા જી.એસ.ટી. પેમેન્ટના બહાને રકમ ટ્રાન્સફર કરાવી હતી. જેમાં રૂ. ૨૮,૫૦૦/-, રૂ. ૧,૫૦,૦૦૦/-, રૂ. ૯૯,૯૯૯/- તથા રૂ. ૮૯,૯૯૯/- મળી કુલ રૂ. ૩,૬૮,૫૦૦/-ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. પૈસા ભર્યા બાદ પણ કોઈ એજન્સી કે માલ ન મળતા અને વધુ રકમની માંગ થતાં ફરિયાદીને ઠગાઈ થયાની શંકા ગઈ હતી. બાદમાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર સંપર્ક કરી ઓનલાઇન અરજી નોંધાવી હતી. જે બાદ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી મોબાઈલ નંબર ધારકો તથા બેંક એકાઉન્ટ ધારકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









