હળવદ તાલુકાના શક્તિનગર (સુખપર) પાસે ધ્રાંગધ્રા-માળીયા હાઇવે પર કાર આડે અચાનક પશુ આવી જતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં મુંબઇ ખાતે રહેતા યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું, જ્યારે કારમાં બેઠેલા અન્ય એક યુવકને ઇજા પહોંચી હતી.
હળવદ તાલુકાના શક્તિનગર (સુખપર) ગામે આવેલ સી.એન.જી. પંપ નજીક ધ્રાંગધ્રા-માળીયા હાઇવે પર ગત તા. ૨૧/૧૧/૨૦૨૫ના રોજ રાત્રિના સમયે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મુંબઇના થાણે બાગબીલ રોડ ખાતે રહેતા મયુરભાઇ ભાનુશંકર જોષી ઉવ.૩૪ મૂળ વતન મોટી રવ તા.રાપર જી.કચ્છ વાળા પોતાની અલ્ટો-૮૦૦ કાર રજીસ્ટર નં. એમએચ-૦૫-સીવી-૯૭૧૮ પોતે ચલાવી રહ્યા હતા. ત્યારે રોડ ઉપર અચાનક પશુ આવી જતા કાર પરથી કાબૂ ગુમાવતા વાહન રોડની સાઇડમાં ઉતરી જઈ નજીક આવેલ લીમડાના ઝાડ સાથે જોરદાર અથડાઇ હતી. અકસ્માતમાં કારના ચાલક મયુરભાઇને પેટ અને નાકના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમની બાજુમાં બેઠેલા જયેશભાઇ શાંતીલાલ રાવલ ઉવ. ૩૨ રહે. સામખીયારી તા.ભચાઉ જી.કચ્છ વાળાને ડાબા પગ તથા ડાબા પડખે ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઈ હતી.
બન્ને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન મયુરભાઇ ભાનુશંકર જોષીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.









