મોરબી મહાનગરપાલિકામાં ભેળવાયેલ વિવિધ ગ્રામ પંચાયતોમાં સ્વભંડોળ અંતર્ગત હાથ ધરાયેલા વિકાસકામો અંતર્ગત રૂ. ૬૩.૧૬ લાખના ખર્ચે ૦૫ રોડ અને પેવર બ્લોકના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ કામો પૂર્ણ થતાં વિસ્તારની માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે.
મોરબીમાં તા. ૦૧/૦૧/૨૦૨૫ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવથી મોરબી નગરપાલિકા તથા તેની આસપાસની કુલ ૦૯ ગ્રામ પંચાયતોને ભેળવીને મોરબી મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવી હતી. જેમાં રવાપર, મહેન્દ્રનગર, લીલાપર, ભડિયાદ, ત્રાજપર, માધાપર ઓજી, ઇન્દિરાનગર, જવાહરનગર અને શક્ત શનાળા ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આ ગ્રામ પંચાયતોમાં રહેલ સ્વભંડોળ અંતર્ગત ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ વિવિધ વિકાસકામોને તાંત્રિક તથા વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત કુલ ૧૧ કામો રૂ. ૨૫૯.૦૦ લાખના અંદાજિત ખર્ચે શરૂ કરવામાં આવ્યા હતા.
આ પૈકી હાલમાં રૂ. ૬૩.૧૬ લાખના ખર્ચે કુલ ૦૫ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં નાની વાવડી ખાતે શાંતિનગર સોસાયટીમાં રૂ. ૧૦.૧૬ લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ, ઇન્દિરાનગર વિસ્તારમાં પાણીના સંપથી દરબારની દુકાન સુધી રૂ. ૧૩.૮૬ લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ, ત્રાજપર વિસ્તારમાં હનુમાનજી મંદિરથી ઘુંટુ રોડ સુધી રૂ. ૧૫.૨૪ લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ તેમજ મેલડીમાના મંદિરથી ઘુંટુ રોડ સુધી રૂ. ૧૫.૦૧ લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ભડિયાદ વિસ્તારમાં રાજુભાઈ વ્યાસના ઘરથી પંચવટી સુધી રૂ. ૮.૮૯ લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ પૂર્ણ થયું છે. આ રોડ અને પેવર બ્લોકના કામો પૂર્ણ થતાં ગ્રામ્યથી શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ થયેલા વિસ્તારોમાં આવાગમનની સુવિધા સુધરી છે તથા સ્થાનિક રહેવાસીઓને રોજિંદા જીવનમાં સરળતા મળી છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ આવા વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવશે તેમ સીટી ઇજનેર મોરબીની યાદીમાં જણાવ્યું છે.









