Sunday, December 21, 2025
HomeGujaratમોરબીમાં રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટરની માંગ સાથે સિરામિક એસોસિએશનની CSIR-CGCRI સાથે મહત્વપૂર્ણ...

મોરબીમાં રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટરની માંગ સાથે સિરામિક એસોસિએશનની CSIR-CGCRI સાથે મહત્વપૂર્ણ બેઠક

મોરબી સિરામિક એસોસિએશન અને પંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ, થાનગઢની સંયુક્ત બેઠક તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ CSIR-CGCRI કલકત્તાના વરિષ્ઠ વૈજ્ઞાનિકો સાથે યોજાઈ હતી. આ બેઠકમાં વિશ્વવિખ્યાત મોરબી સિરામિક ક્લસ્ટર માટે CGCRI સમકક્ષ રિસર્ચ, લેબ ટેસ્ટિંગ અને ટ્રેનિંગ સેન્ટર મોરબીમાં સ્થાપવાની માંગ ઉઠાવવામાં આવી હતી. બેઠકના અંતે CGCRIના ડિરેક્ટર દ્વારા પ્રાથમિક તબક્કે મોરબીમાં લેબ ટેસ્ટ સુવિધા શરૂ કરવાના પ્રયાસોની ખાતરી આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સિરામિક એસોસિએશન અને પંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ, થાનગઢ દ્વારા તા.૧૫/૧૨/૨૦૨૫ના રોજ CSIR-CGCRI કલકત્તા ખાતે સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે CSIR-CGCRIના વરિષ્ઠ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં જણાવાયું હતું કે વર્ષ ૧૯૪૦માં CSIR (કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ) અને CGCRI (સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)ની સ્થાપના કલકત્તા ખાતે કરવામાં આવી હતી. તે સમયે કલકત્તા ખાણ-ખનિજ તેમજ ગ્લાસ અને સિરામિક ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર હોવાથી ત્યાં સંસ્થાનો આરંભ થયો હતો. હાલમાં CSIRના ચેરમેન તરીકે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જવાબદારી સંભાળી રહ્યા છે. સિરામિક ક્લસ્ટરને ટેકનિકલ સહાય આપવા માટે CGCRIની નરોડા સેન્ટરની સ્થાપના વર્ષ ૧૯૭૭માં ગુજરાતમાં કરવામાં આવી હતી, જે નાના અને મધ્યમ સિરામિક ઉદ્યોગોની જરૂરિયાતોને પૂરી પાડે છે. CGCRIના મુખ્ય ઉદ્દેશોમાં સ્થાનિક કાચા માલનું મૂલ્યાંકન, સિરામિક અને સંલગ્ન ઉદ્યોગોને પરીક્ષણ સુવિધા, પ્રાયોજિત સંશોધન, ટેકનોલોજી ટ્રાન્સફર, ગુણવત્તા અને ઉત્પાદકતા સુધારણા, ખર્ચ ઘટાડો, આયાત અવેજી, નિકાસ પ્રોત્સાહન, કર્મચારીઓ માટે તાલીમ, ઉદ્યોગ સલાહ સેવાઓ, ગ્રામિણ માટીકામમાં સુધારણા, પરંપરાગત સિરામિક ઉત્પાદનોની ગુણવત્તા વૃદ્ધિ, ઊર્જા કાર્યક્ષમ ટેકનોલોજી તથા નેનો ટેકનોલોજી આધારિત સંશોધનનો સમાવેશ થાય છે. નરોડા સેન્ટર દ્વારા ટાઇલ્સ, સેનિટરીવેર, ટેબલવેર, રિફ્રેક્ટરીઝ, ઇન્સ્યુલેટર અને ભઠ્ઠી સંબંધિત ઉદ્યોગોને ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવે છે.

આ બેઠકમાં ખાસ કરીને આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે વિશ્વમાં બીજા નંબરના સૌથી મોટા સિરામિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ઓળખાતા મોરબી ક્લસ્ટર દ્વારા દેશના અંદાજે ૯૦ ટકા સિરામિક ઉત્પાદનોનું ઉત્પાદન થાય છે, તેમ છતાં મોરબીમાં CGCRI સમકક્ષ કોઈ રિસર્ચ, ટ્રેનિંગ કે લેબ ટેસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ નથી. હાલ એક્સપોર્ટ માટે જરૂરી ટાઇલ્સના લેબ ટેસ્ટ માટે નમૂનાઓ અમદાવાદ મોકલવા પડે છે, જે સમય અને ખર્ચ બંને દૃષ્ટિએ ઉદ્યોગ માટે પ્રતિકૂળ છે. આથી બેઠકમાં ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી કે CGCRIની પેટા શાખા અથવા સમકક્ષ રિસર્ચ સંસ્થા મોરબીમાં સ્થાપવામાં આવે. વૈશ્વિક સ્તરે ચીન સાથે સ્પર્ધા કરી રહેલા મોરબી સિરામિક ઉદ્યોગ માટે સ્કીલ ડેવલપમેન્ટ, સંશોધન અને તાલીમ કેન્દ્ર સમયની માંગ બની છે અને ક્લસ્ટરને વધુ વેગ આપવા માટે આવી સંસ્થા અનિવાર્ય છે. ત્યારે ચર્ચાના અંતે CGCRIના ડિરેક્ટર બ્રીક્રમજીત બાસુએ આશ્વાસન આપ્યું હતું કે પ્રાથમિક તબક્કે મોરબીમાં આવી સુવિધા શરૂ કરવા માટે સંસ્થા તરફથી પ્રયાસો કરવામાં આવશે. શરૂઆતમાં લેબ ટેસ્ટિંગ માટેના સાધનો મોરબીમાં ફાળવવા બાબતે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે તેવી માહિતી પણ બેઠકમાં આપવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!