મોરબી: અગાઉ નોંધાયેલ રેપ કેસની ફરિયાદ પાછી ખેંચાવવા માટે પરિણીતાને તથા તેના પિતાને વોટ્સએપ પર ગાળો આપી ઉપાડી જવાની ધમકી આપવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ત્યારે આ મામલે પરિણીતાની નણંદ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મહિલા વિરુદ્ધ ધમકી અને હેરાનગતિ મુજબની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી જીઆઇડીસી પાછળ ચિત્રકૂટ સોસાયટી મકાન નં. ૪૭માં રહેતા મૂળરહે.રાજકોટ-ભાવનગર રોડ ચુનારાવાડ સિલ્વર એપાર્ટમેન્ટ નં. ૩૦૫ના વતની ઉર્વશી સુલતાન શેખ (ડોટર ઓફ રાજેશભાઈ લાધાભાઈ પટેલ) ઉવ.૧૯ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી શનાબેન જાફરઅલી બહેરૂડગી હાલ રહે.રાજકોટ-ભાવનગર રોડ ચુનારાવાડ સિલ્વર એપાર્ટમેન્ટ નં. ૩૦૫ મૂળ રહે. મીરા રોડ મુંબઈ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરીયાદી ઉર્વશીબેને અગાઉ રાજકોટ થોરાળા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ, જેઠ, સાસુ તથા નણંદ શનાબેન જાફરઅલી બહેરૂડગી વિરુદ્ધ રેપ સહિતના ગંભીર આરોપોની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં નણંદ શનાબેન જામીન પર મુક્ત થયેલ હોય, જેથી ફરિયાદ પાછી ખેંચાવવા માટે ફરીયાદી ઉપર દબાણ લાવવા માટે, આરોપી શનાબેન દ્વારા ફરીયાદી ઉર્વશીબેન તથા તેના પિતા રાજેશભાઈ લાધાભાઈ પટેલના મોબાઇલ ઉપર અલગ અલગ મોબાઇલ નંબરોથી વોટ્સએપ મેસેજ મોકલી બીભત્સ ગાળો આપવામાં આવી હતી તેમજ કેસ પાછો ન ખેંચે તો ફરીયાદી તથા તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની અને ઉપાડી જવાની ધમકી આપવામાં આવી હતી. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઉર્વશીબેનની ફરિયાદને આધારે આરોપી શનાબેન સામે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.









