ભારતના લશ્કરી દળમાં શહીદ થયેલા ગણેશભાઈ મનસુખભાઇના પરિજનોને મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૧ લાખનો આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે. મંત્રી કાંતિલાલ અમૃતિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીનાં હસ્તે શહીદનાં પત્નીને ૧ લાખનો ચેક અર્પણ કરાયો છે.
મોરબી જિલ્લાના વતની શહીદ ગણેશભાઈ મનસુખભાઇ પરમાર જેઓ ભારતના લશ્કરી દળમાં ફરજ બજાવતાં હતા. તેઓ ચાલુ ફરજ દરમિયાન તા.૦૯/૧૨/૨૦૨૫ના રોજ શહીદ થતાં આ દુઃખદ ઘટનાને પગલે શહીદના પરિવારજનોને આર્થિક સહયોગ મળી રહે તે હેતુસર મોરબી જિલ્લા પંચાયત દ્વારા શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીના હસ્તે રૂ. ૧,૦૦,૦૦૦/-ની સહાય મંજૂર કરી શહિદના પત્ની પરમાર સંગિતાબેન ગણેશભાઇને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ દુઃખદ ઘટનાથી સમગ્ર જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. દેશ-સેવામાં પોતાનું અમૂલ્ય બલિદાન આપનાર શહીદ ગણેશભાઇ પરમારને જિલ્લા પંચાયત-મોરબી દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી તથા તમામ જિલ્લા પંચાયત સદસ્યોએ શહીદના બલિદાનને નમન કરી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમજ જણાવ્યું હતું કે, શહીદ ગણેશભાઈ પરમારનું બલિદાન હંમેશા યાદગાર રહેશે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે.









