મોરબી: બાંગ્લાદેશમાં હિન્દુ શ્રમિકની જાહેરમાં થયેલી હત્યાના વિરોધમાં મોરબી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. નગર દરવાજા ચોક ખાતે પૂતળા દહન કરીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઘટનાને માનવતાને શરમજનક ગણાવી જવાબદાર તત્વો સામે કડક પગલાં લેવા માંગ ઉઠાવવા સાથે જ હિન્દુઓની આસ્થા, ધર્મ અને જીવન પર થતા હુમલાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ હતી.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મોરબી શહેર દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની થયેલી જાહેરમાં નિર્મમ હત્યાના વિરોધમાં ઉગ્ર કાર્યક્રમ યોજાયો હતો. હાલના સમયમાં હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓ અને હિન્દુઓની આસ્થા, ધર્મ તેમજ જીવને આઘાત પહોંચાડતી ઘટનાઓ સતત વધી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગત સપ્તાહે બાંગ્લાદેશના મેમનસિંહ જિલ્લાના ભાલુકા વિસ્તારમાં દીપુદાસ નામના સામાન્ય હિન્દુ શ્રમિક પર ઈસ નિંદાના ખોટા આરોપ લગાવી જેહાદી ભીડ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી સળગાવી દેવાની ઘટના પોલીસ પ્રશાસનની હાજરી વચ્ચે બની હોવાનો આરોપ મૂકાયો હતો, જે સમગ્ર માનવતાને લજ્જિત કરતી ઘટના ગણાવવામાં આવી.
આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે. તેના ભાગરૂપે મોરબીના નગર દરવાજા ચોક ખાતે પૂતળા દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સરકારને અપીલ કરવામાં આવી હતી કે જેહાદી માનસિકતા ધરાવતા તત્વો અને દેશો સામે કડક પગલાં લેવામાં આવે તેમજ હિન્દુઓના માન-મર્યાદા અને સુરક્ષા માટે દ્રઢ નીતિ અપનાવવામાં આવે.









