હળવદમાં બસ સ્ટેશનમાં બસની રાહ જોઈ રહેલ બે ભાઈઓ ઉપર ત્રણ શખ્સો દ્વારા છરી, લોખંડના પાઇપ વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં અગાઉની અદાવતનું મનદુઃખ રાખી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ત્યારે હુમલામાં ઇજાગ્રસ્ત બન્ને ભાઈઓએ પ્રથમ હળવદ બાદ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી. હાલ હળવદ પોલીસે આરોપી ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, હળવદ આંબેડકરનગર-૧ માં રહેતા ઉમેશભાઈ બચુભાઇ રાઠોડ ઉવ.૩૯ એ હળવદ પોલીસ મથકમાં આરોપી રમેશ મુળજીભાઈ પરમાર, જયેશ કાળુભાઇ પરમાર અને મયુર રમેશભાઈ પરમાર ત્રણેય રહે. હળવદ બસ સ્ટેશન પાછળ હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા મુજબ, ગઈ તા.૧૫/૧૨ ના રોજ ફરિયાદી ઉમેશભાઈને અમદાવાદ જવાનું હોય જેથી ઉમેશભાઈને ભાઈ દેવજીભાઈ તેઓને હળવદ બસ સ્ટેશન મુકવા આવ્યા ત્યારે બસની રાહ જોઈ રહ્યા હોય તે દરમિયાન અગાઉ આરોપીઓના કુટુંબીક સાથે ફરિયાદીને ઝઘડો થયો હોય તેનો ખાર રાખી આરોપીઓએ એકસંપ થઈને ત્યાં આવી છરી તેમજ લોખંડના પાઇપ તથા ઢીકા પાટુ વડે ઉમેશભાઈ અને દેવજીભાઈ ઉઓર હુમલો કરી બન્ને ભાઈઓને હાથમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચાડી આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત બંને ભાઈઓએ હળવદ બાદ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી. હાલ હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.









